અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળે ભવ્ય રામમંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ કાર્ય ડીસેમ્બર- ૨૦૨૩ પૂર્ણ જશે. મંદિરમાં ૨૦૨૪ની મકરસંક્રાંતિએ (14 જાન્યુઆરી)એ ભગવાન રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની સંભાવના છે, એમ રામજન્મભૂમિ ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું હતું. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણમાં 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
ફૈઝાબાદ સર્કિટ હાઉસમાં આયોજિત એક બેઠકમાં ટ્રસ્ટના સભ્યોએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો હતો કે જન્મભૂમિ સ્થળે હિન્દુ ધર્મ સાથે સંલગ્ન તેવી મહાન વિભૂતિઓની પણ મૂર્તિઓ અને સાધુ- સંતોની મૂર્તિઓને પણ સ્થાપિત કરાશે.
તેમણે કહ્યું હતું કે, વિશેષજ્ઞાો દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટના આધારે ટ્રસ્ટેને અંદાજ છે કે આ મંદિરના નિર્માણમાં આશરે રૂા. ૧૮૦૦ કરોડનો ખર્ચ થશે. આ સાથે ‘શ્રી રામ જન્મભૂમિ કોરિડોર’ માટે રૂ. ૯ અબજના ખર્ચે સડકો સુધારવામાં આવશે તેથી સડકોની સુરત બદલાઈ જશે.
આ બેઠકમાં ટ્રસ્ટના ૧૫ સભ્યોમાંથી ૧૪ સભ્યોએ ભાગ લીધો હતો તેમાં નિર્માણ સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્ર મિશ્ર, ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ, કોષાધ્યક્ષ ગોવિંદ દેવ-ગિરિ, ઉડ્ડીપી પીઠાધીશ્વર વિશ્વતીર્થ પ્રસન્નાચાર્ય જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.