ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને આદિવાસી નેતા છોટુ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) વચ્ચેના જોડાણનું બાળમરણ થયું છે. છોટુ વસાવાએ સોમવારે ‘આપ’ સાથે કોઈ ગઠબંધન કરાયું ન હોવાની જાહેરાત કરી હતી.
ગુજરાત ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ના સ્થાપક અને ભરૂચ જિલ્લાની ઝગડિયા બેઠક પરથી 6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા છોટુ વસાવાની રાજ્યની 15 ટકા આદિવાસી વોટબેંક પર પકડ હોવાનું માનવામાં આવે છે. તેમના પુત્ર મહેશ વસાવા પણ નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પરથી ધારાસભ્ય છે. ભરૂચ અને નર્મદા વિસ્તારમાં છોટુ વસાવાનું સારું એવું વર્ચસ્વ છે.
છોટુ વસાવાએ ‘આપ’ ભાજપની બી ટીમ હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમની પાર્ટીનું આમ આદમી પાર્ટી સાથે કોઇ જોડાણ કરાયું નથી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોઈ પરિવર્તન લાવી શકશે નહીં. તેમનો પક્ષ કેસરી કે સફેદ ટોપીવાળા સાથે ગઠબંધન નહીં કરે.
છોટુ વસાવાનું આ નિવેદન કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પવન ખેરા સાથેની મુલાકાત બાદ આવ્યું હતું. હવે 2017ની જેમ આ વખતે પણ બીટીપી અને કોંગ્રેસ સાથે ચૂંટણી લડે તેવી અટકળો છે.પહેલીમેએ આમ આદમી પાર્ટી અને બીટીપી વચ્ચે ગઠબંધન થયું હતું. ભરૂચના ચંદેરિયા ખાતે બીટીપીની કોન્ફ્રન્સ યોજાઈ હતી. ‘આદિવાસી સંકલ્પ મહાસંમેલન’ નામે યોજાયેલા એ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવાએ ગઠબંધનની જાહેરાત કરી હતી.