દુબઈ ખાતે અફધાનિસ્તાન સામે પાકિસ્તાનના વિજય સાથે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગઈ હતી. બુધવારે પાકિસ્તાને રોમાંચક બનેલી મેચમાં અફઘાનિસ્તાન સામે એક વિકેટે વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ ભારત અને અફઘાનિસ્તાન એશિયા કપમાંથી બહાર થઈ ગયા.
હવે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ રમાશે. પાકિસ્તાને ટોસ જીતીને અફઘાનિસ્તાનને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. અફઘાનિસ્તાની ટીમ 20 ઓવરમાં છ વિકેટે 129 રન નોંધાવી શકી હતી. પાકિસ્તાનને અંતિમ ઓવરમાં જીતવા માટે 11 રનની જરૂર હતી. નસીમ શાહે અંતિમ ઓવરના પ્રથમ બે બોલ પર બે સિક્સર ફટકારીને પાકિસ્તાનને વિજય અપાવ્યો હતો. પાકિસ્તાને 19.2 ઓવરમાં 131 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.
સુપર-4 સ્ટેજમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું જ નબળું રહ્યું છે. પ્રથમ બંને મેચમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ મેચમાં રોહિત શર્માની ટીમ પાકિસ્તાન સામે હારી ગઈ હતી. જ્યારે બીજી મેચમાં તેને શ્રીલંકા સામે પરાજયનો સામનો કરવો પડ્યો. બીજી તરફ અફઘાનિસ્તાન સુપર-4માં તેની પ્રથમ મેચ શ્રીલંકા સામે હારી ગયું હતું. તેથી જો પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનનો વિજય થયો હોત તો ભારત માટે ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રહી હોત. જોકે, તે માટે ભારતીય ટીમને અન્ય મેચના પરિણામો અને રન રેટ પર આધાર રાખવો પડ્યો હોત.
ભારતના કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામેની હાર બાદ મીડિયા સામે નિખાલસ કબૂલાત કરતાં કહ્યું હતુ કે, અમારી ટીમ ૯૦-૯૫ ટકા સેટલ છે. જોકે હજુ પણ અમારે કેટલાક પ્રશ્નોના ઉત્તર શોધવાના બાકી છે. એશિયા કપમા મળેલી આ ઉપરાઉપરી પરાજયોને કારણે અમને ઘણું બધુ શીખવા મળ્યું છે.