ભારતના બેટ્સમેન સુરેશ રૈનાએ મંગળવારે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. 35 વર્ષના ભારતીય ક્રિકેટરે અગાઉ આંતરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. પરંતુ રૈનાએ 2021માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમવાનું ચાલુ રાખ્યું હતું. 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને રીટેઈન કર્યો ન હતો. રૈનાએ એક ટ્વીટ કરીને ભારતીય ક્રિકેટ બોર્ડ, ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન અને ચેન્નાઈ સુપર કિંગ્સનો આભાર વ્યક્ત કર્યો હતો.
સંન્યાસની જાહેરાત કરતાં રૈનાએ જણાવ્યું કે, મારા દેશ અને રાજ્ય ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવાની તક પ્રાપ્ત થઈ તે મારા માટે સમ્માનની વાત છે. હું ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરું છું. ભારત અથવા ઘરેલુ સ્તરે સક્રિય રહેલા ખેલાડી વિદેશની લીગમાં ભાગ નથી લઈ શકતા જેને પગલે રૈના માટે વિશ્વભરમાં રમાતી ટી20 લીગમાં ભાગ લેવા સંન્યાસ લેવો જરૂરી હતો. રૈના છેલ્લે ઓક્ટોબર 2021માં અબુ ધાબી ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રમ્યો હતો. ભારત તરફથી રૈના 18 ટેસ્ટ, 226 વન-ડે અને 78 ટી20 રમ્યો હતો. રૈના 2011ની વન-ડે વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો હિસ્સો પણ હતો.