અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત પહેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકતે રવિવારે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં 1 કિલો સોનાનું દાન આપ્યું હતું. દાનમાં 100 ગ્રામ નાં 9 અને 50 ગ્રામ નાં બે એમ 11 સોનાના બિસ્કીટ આપવામાં આવ્યા હતા. આ સોનાની બજારકિંમત કિંમત આશરે રૂ.52 લાખ થાય છે.
બીજી તરફ મુંબઈનાં એક ભક્ત તરફ઼ થી 105 ગ્રામનો 4 લાખ 80 હજારની કિંમત નો સોનાનો હાર અંબાજી માતા મંદીરને દાન પેટે અર્પણ કરવામાં આવ્યો હતો. આ સોનાના દાન ને અંબાજી મંદીર ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યો હતો.
જગતજનનીના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો સોમવારે પ્રારંભ થયો હતો. આજથી 10 સપ્ટેમ્બર સુધી ચાલનારા મેળામાં લાખોની સંખ્યામાં પગપાળા કરીને અનેક ભક્તો અંબાના દર્શનાર્થે અંબાજી આવશે.મા અંબાની આરતી અને પૂજા સાથે નારિયેળ વધેરી ભાદરવી પૂનમના મેળાની વિધિવત્ શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતભરમાંથી 25 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ઉમટી પડે તેવી ધારણા છે. સરકારે શ્રદ્ધાળુઓને આવકારવા તેમના આરોગ્ય અને સુરક્ષા માટે તમામ પ્રકારની પૂરતી તૈયારીઓ કરી લીધી છે. અંબાજી જતા માર્ગો પર પદયાત્રીઓનો પ્રવાહ પણ શરૂ થયો છે તેનાથી સમગ્ર અરવલ્લીની ગિરિમાળાઓમાં અંબેમય માહોલ પણ જામ્યો છે.
અંબાજી મંદિરના દર્શન કરવા માટે દેશ-વિદેશમાંથી ભક્તો આ મેળા દરમિયાન આવી પહોંચશે અને તેમને અગવડતા ના પડે તે માટે અંબાજી સહિતના મંદિર પહોંચવાના માર્ગો પર વિમાસા અને આરામ કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે. અહીં 38 જેટલા આરોગ્ય સુવિધા કેન્દ્રોની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વિસામા કેન્દ્ર સહિતની સુવિધા માટે ઉભા કરાયેલા ટેન્ટ વોટરપ્રૂફ રાખવામાં આવ્યા છે, જેથી વરસાદ પડે તો પણ અહીં રોકાયેલા ભક્તોને કોઈ અગવડ પડે નહીં.સામાન્ય દિવસોમાં મંદિર સવારે 6.15 કલાકે ખુલતું હોય છે પરંતુ મેળા દરમિયાન વહેલી સવારે પણ ભક્તો દર્શન કરી શકે અને સવારની આરતીનો લહાવો લઈ શકે તે માટે મંદિર બ્રહ્મ મુહૂર્તમાં 5.30 કલાકે ખોલવામાં આવશે. આજ રીતે સાંજે 4.30થી 7 સુધી મંદિર બંધ રહેતું હતું તેના બદલે 5.30થી 7 સુધી બંધ રહેશે, એટલે કે સવારે અને સાંજે ભક્તોને દર્શન માટે સમય મળી રહે તે માટે 1-1 કલાક વધારવામાં આવ્યો છે.