ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈ નજીકના પાલઘર જિલ્લામાં રોડ એક્સિડન્ટમાં રવિવાર, 4 સપ્ટેમ્બરે અવસાન થયું હતું. દુર્ઘટના પછી 54 વર્ષના સાયરસ મિસ્ત્રીને હોસ્પિટલ લઈ જવાયા કે જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. ગાડીમાં કુલ 4 લોકો સવાર હતા જેમાં સાયરસ મિસ્ત્રી સહિત 2નાં મોત થયા હતા. સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યાં હતા ત્યારે મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.
સાયરસ મિસ્ત્રીની અચાનક ચિરવિદાયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઉદ્યોગ જગતના વડાઓએ ઊંડા શોક અને દુખની લાગણી વ્યક્ત કરી હતી.
પોલીસે જણાવ્યું કે એક્સિડેન્ટની જાણકારી મળતાં જ મિસ્ત્રી સહિત તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં બે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અકસ્માતના તપાસના આદેશ આપ્યા હતી. સાયરસ મિસ્ત્રીના નિધન પર વડાપ્રધાન મોદીએ સંવેદના વ્યક્ત કરી હતી. મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સાયરસ મિસ્ત્રીનું આકસ્મિક નિધન સ્તબ્ધ કરનારું છે. તેઓ ભારતની આર્થિક શક્તિમાં વિશ્વાસ કરતા હતા. તેમનું નિધન ઉદ્યોગ જગત માટે એક મોટી ક્ષતિ છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદનાઓ. તેમની આત્માને શાંતિ મળે.
સાયરસ પાલોનજી મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968નાં રોજ થયો હતો. તેઓ શાપૂરજી પાલોનજી ગ્રુપના વડા પાલોનજી મિસ્ત્રીના નાના પુત્ર હતા. તેમની પાસે લંડન બિઝનેસ સ્કૂલથી મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી પણ હતી. સાયરસે મિસ્ત્રીએ 1991માં પોતાનો ફેમિલી બિઝનેસ જોઈન કર્યો હતા. તેમના નેતૃત્વમાં કંપનીએ ભારતના સૌથી ઉંચા રેસિડેન્શિયલ ટાવર, સૌથી લાંબા રેલવે પુલ અને સૌથી મોટા પોર્ટનું નિર્માણ કર્યું હતું. પાલોનજી ગ્રુપનો બિઝનેસ કપડાંથી લઈને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને બિઝનેસ ઓટોમેશન સુધી ફેલાયેલો છે.
ડિસેમ્બર 2012માં રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ સાયરસ મિસ્ત્રીને આ પદ સોંપવામાં આવ્યું હતું. મિસ્ત્રી ટાટા સન્સના સૌથી યુવા વયના ચેરમેન હતા. મિસ્ત્રી પરિવાર ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં 18.4% હિસ્સો ધરાવે છે. તેઓ ટાટા ટ્રસ્ટ પછી ટાટા સન્સમાં બીજા મોટા શેર હોલ્ડર્સ છે.