ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવાનું સ્વપ્ન જોઇ રહેલા વિદેશી નાગરિકો માટે તે સાચું પડે તેવા સંજોગો ઊભા થયા છે. ઓસ્ટ્રેલિયન સરકારે વર્તમાન નાણાકીય વર્ષ માટે કાયમી ઇમિગ્રેશન વિઝાની સંખ્યા 35,000 વધારી 195,000 કરવાની તાજેતરમાં જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયામાં કુશળ પ્રોફેશનલ અને શ્રમિકોની મોટી અછત સર્જાવાને કારણે સરકારે આ નિર્ણય કર્યો છે. સરકાર પોતાના ઇમિગ્રેશન પ્રોગ્રામમાં પણ સુધારો કરશે. કોરોના મહામારી પછી શ્રમિકોની અછતની સમસ્યા વધુ ગંભીર બનતા સરકારને આવા વિઝાની સંખ્યા વધારવાની ફરજ પડી હોવાનું કહેવાય છે. સરકાર, ટ્રેડ યુનિયન્સ, બિઝનેસ અને ઉદ્યોગના 140 પ્રતિનિધિઓની બે દિવસની જોબ્સ એન્ડ સ્કીલ સમીટ દરમિયાન હોમ અફેર્સ મિનિસ્ટર પ્રધાન ક્લેર ઓનીલે 30 જૂન 2023માં સુધીમાં કાયમી ઇમિગ્રેશનની સંખ્યામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં નર્સો છેલ્લાં બે વર્ષથી સળંગ બે અને ત્રણ શિફ્ટમાં કામ કરે છે. એરપોર્ટ પર ગ્રાઉન્ડ કર્મચારીઓની અછતના કારણે અનેક ફ્લાઇટ્સ કેન્સલ થાય છે અને ખેતરમાં શ્રમિકોના અભાવે પાક સડી જાય છે અને તેથી આર્થિક નુકસાન થાય છે. સરકાર નોકરીમાં ઓસ્ટ્રેલિયન નાગરિકને અગ્રતા આપશે. જોકે, વિવિધ કુશળતા ધરાવતા લોકો ઓસ્ટ્રેલિયાના સ્થાને કેનેડા, જર્મની અને બ્રિટનમાં વસવાટ કરવાનું પસંદ કરે છે.