(Photo by Peter Macdiarmid via Getty Images)

હોલીવુડ ફિલ્મ જેમ્સ બોન્ડમાં જેનું હેડક્વાર્ટર હતું તે અને હિન્દુજા ભાઇઓની માલિકીની લંડનના વ્હાઇટહોલની ઓલ્ડ વોર ઓફિસની ઐતિહાસિક ઇમારતનું £1 બિલિયનના ખર્ચે રીસ્ટોરેશન કરી £1,000 પ્રતિ નાઇટ ચાર્જ હશે તેવી અફલાતુન હોટેલ અને £200 મિલિયનના મુલ્યના ફ્લેટનું નિર્માણ કરવામાં આવનાર છે.

બ્રિટિશ સામ્રાજ્યની શક્તિના પ્રતીક અને બંને વિશ્વ યુદ્ધોમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને લગભગ 120 વર્ષ પહેલાં બાંધવામાં આવેલ લંડનના વ્હાઇટહોલ પરની ઓલ્ડ વોર ઓફિસનું બાંધકામ  1906માં પૂર્ણ થયું હતું. તે વખતે 26,000 ટન પોર્ટલેન્ડ પથ્થર, 3,000 ટન યોર્ક પથ્થર, હજારો રોમન ક્યુબ મોઝેઇક અને 26 મિલિયનથી વધુ ઇંટોનો ઉપયોગ કરાયો હતો. તે મકાન 770,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને ડાઉનિંગ સ્ટ્રીટની નજીક આવેલું છે. આ મકાનમાં 1,000 ઓરડાઓ અને લગભગ 2.5 માઇલ લાંબા કોરિડોર હતા. આ ઇમારત ક્યારેય જાહેર જનતા માટે ખુલ્લી રહી નથી.

આગામી સ્પ્રિંગમાં ઓલ્ડ વોર ઓફિસના દરવાજા જનતા માટે ખુલશે. અહિં મકાનના અડધા ભાગમાં સિંગાપોર સ્થિત રેફલ્સ જૂથની પ્રથમ બ્રિટિશ હોટેલ ‘રેફલ્સ લંડન’ ખુલશે અને અન્ય અડધા ભાગમાં 85 એપાર્ટમેન્ટ અને પાંચ બેડરૂમના પેન્ટહાઉસનો સમાવેશ થાય છે. પેન્ટહાઉસના £200 મિલિયન મળવાની ધારણા છે, જે દેશનો સૌથી મોંઘો ખાનગી ફ્લેટ હશે. હોટલના રૂમો એક રાત્રિના આશરે £1,000 થી શરૂ થવાની ધારણા છે.

હોટેલના ભાવિ મહેમાનો વ્હાઇટહોલમાંથી પ્રવેશ કરશે અને ગ્રાન્ડ હોલમાં પગ મૂકશે, જ્યાં તેઓનું સ્વાગત બ્રેસિયા માર્બલ સીડી દ્વારા કરવામાં આવશે. ઓલ્ડ વોર ઓફિસનામાં હોટલ જમીનની નીચે સાત માળ અને ઉપર સાત માળ હશે. ત્યાં 120 બેડરૂમ, નવ રેસ્ટોરન્ટ્સ હશે – જેમાં એક છત પરનો સમાવેશ થાય છે – ત્રણ બાર, જ્યારે સ્વિમિંગ પૂલ, સ્પા, જિમ અને બૉલરૂમ તમામ ભૂગર્ભ હશે.

2016માં હિન્દુજા ગ્રૂપને £350 મિલિયનમાં 250 વર્ષની લીઝ પર આ બિલ્ડિંગ વેચતી વખતે સંરક્ષણ મંત્રાલય દ્વારા નિર્ધારિત શરતોને અનુરૂપ, દર વર્ષે 10 દિવસ માટે કોમ્પલીમેન્ટરી પ્રવાસો ઓફર કરવામાં આવશે. જો કે આ રકમ ભાઈઓ, ગોપીચંદ અને શ્રીચંદ હિન્દુજા માટે સીંગ-ચણાની ખરીદી જેટલી છે. જેમણે વિશ્વભરમાં £28 બિલિયનથી વધુની સંપત્તિ એકઠી કરી છે.

8 ઓક્ટોબર, 1940ના રોજ થયેલા જર્મન પ્લેનના બોમ્બ ધડાકાથી ઈમારતને થોડું નુકસાન થયું હતું.

LEAVE A REPLY