નકલી પાસપોર્ટને આધારે દુબઈ થઈને અમેરિકા જવા નીકળેલા દંપતિની રવિવારે અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે હિતેષ પટેલ અને બિનલ પટેલ સામે ઠગાઈ, વિશ્વાસઘાત, બનાવટ, નકલી દસ્તાવેજને અસલી દસ્તાવેજ ગણાવવા, પાસપોર્ટ એક્ટ સહિતના આરોપો હેઠળ ગુનો દાખલ કર્યો હતા.
પોલીસના જણાવ્યા અનુસાર અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ-2 પર ઈમિગ્રેશન ઓફિસર પેસેન્જર્સના પાસપોર્ટ, વિઝા અને બોર્ડિંગ પાસ ચેક કરી રહ્યા હતા. જોકે, તેમને બંને આરોપીનો પાસપોર્ટ શંકાસ્પદ લાગ્યો હતો. રેકોર્ડ તપાસતા ખ્યાલ આવ્યો હતો કે આ કપલ 14 જુન 2018ના રોજ આયર્લેન્ડ ગયું હતું અને ત્યાંથી ચાર દિવસ બાદ તેને ડિપોર્ટ કરાયું હતું, પરંતુ તેના પાસપોર્ટ પર એન્ટ્રી કે એક્ઝિટનો કોઈ સિક્કો નહોતો.
આ કેસની તપાસ કરી રહેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ કપલ 2018માં એજન્ટોની મદદથી મુંબઈથી આયર્લેન્ડ ગયું હતું. તેમનો મૂળ પ્લાન અમેરિકા પહોંચવાનો હતો, પરંતુ તેઓ આયર્લેન્ડમાં જ પકડાઈ ગયા હતા અને ત્યાંથી તેમને ભારત પરત મોકલી દેવાયા હતા. આ વખતે તેઓ વાયા દુબઈ અમેરિકા જવા નીકળ્યા હતા. દુબઈ પહોંચી તેમનો પ્લાન વાયા મેક્સિકો અમેરિકા જવાનો હતો.