રાહુલ ગાંધીએ પ્રમુખ બનવાનો કથિત ઇન્કાર કર્યા બાદ કોંગ્રેસના નવા પ્રમુખ ચૂંટવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પક્ષના ચૂંટણી અધિકારીએ રવિવારે કહ્યું હતું કે 20 સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસને નવા ચૂંટાયેલા પ્રમુખ મળી જશે. જોકે આમ છતાં પક્ષ પ્રમુખ માટેના ઉમેદવારોની રેસમાં કોણ છે તે અંગે જ હજી પક્ષ અંધારામાં છે. કોંગ્રેસના કેન્દ્રીય ચૂંટણી અધિકારી મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું હતું કે ચૂંટણી માટેની અંતિમ તારીખની મંજૂરી કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સીડબ્લ્યૂસી)એ આપવાની છે, જે 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર વચ્ચે કોઈપણ તારીખ હોઈ શકે છે.
કોંગ્રેસ કારોબારીએ અગાઉ નિર્ણય કર્યો હતો કે બ્લોક કમિટી માટે અને પ્રત્યેક પ્રદેશ કોંગ્રેસ સમિતિ માટે એક સભ્યની ચૂંટણી 16 એપ્રિલથી 31 મે સુધીમાં થશે. જિલ્લા સમિતીના પ્રમુખ અને કારોબારીની ચૂંટણી 1 જૂનથી 20 જુલાઈ દરમિયાન થશે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી અને એઆઈસીસી મેમ્બર્સની ચૂંટણી 21 જુલાઈથી 20 ઓગસ્ટ દરમિયાન થશે અને એઆઈસીસીના પ્રમુખની ચૂંટણી 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર વચ્ચે થશે. મિસ્ત્રીએ કહ્યું હતું કે આ કાર્યક્રમ મુજબ જ બધુ થશે અને તેમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે સીડબ્લ્યૂસી તારીખ જાહેર કરે તેની રાહ છે.
જોકે આમ છતાં પક્ષ પ્રમુખ માટેના ઉમેદવારોની રેસમાં કોણ છે તે અંગે જ હજી પક્ષ અંધારામાં છે. પ્રમુખપદની રેસમાં જોડાવાની રાહુલ ગાંધીની ઈચ્છા નથી. તેમને મનાવવા માટે ચૂંટણી મોડી કરાય તેવી શક્યતા નકારી શકાય નહીં તેમ પક્ષના વર્તુળોનું માનવું છે.