ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શનિવારની મોડી સાંજે તેમના પ્રધાનમંડળમાં ધરખમ ફેરફાર કર્યા હતા. બે કેબિનેટ પ્રધાન જેમાં નંબર ટુ ગણાતા રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ-મકાન વિભાગ છીનવી લેવામાં આવ્યો હતો. આ બંને પ્રધાનો પાસે અન્ય વિભાગો હોવાથી તેઓ પ્રધાન તરીકે હાલ ચાલુ રહેશે.
ભાજપના હાઇકમાન્ડને આ પ્રધાનોને કટ ટુ સાઇઝ કરી નાંખીને અન્ય પ્રધાનોને પણ ચૂંટણી પહેલા સરકારી કામગીરીમાં જ ફોકસ કરવા અને કોઇપણ પ્રકારની ફરિયાદો આવવી જોઇએ નહીં તેવો સંકેત આપવામાં આવ્યો હતો. મહેસૂલ વિભાગનો હવાલો ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને માર્ગ-મકાન વિભાગનો હવાલો રાજ્યકક્ષાના પ્રધાન જગદીશ પંચાલને હાલ સોંપવામાં આવ્યો છે.
ચૂંટણી પહેલા ભાજપના બે પ્રધાનોના ખાતા લઇ લેવાયા હોય તેવું પ્રથમ વખત બન્યું છે. બંને ખાતાના મહત્વના કેબિનેટ કક્ષાના નિર્ણય હવે મુખ્યપ્રધાન પટેલ જ કરશે. આ પ્રધાનોના ખાતા કયા કારણથી ખાતા આંચકી લેવાયા તે અંગે સરકાર દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે બંને પ્રધાનોને થોડા સમય પહેલા જ તેમની કામગીરી યોગ્ય રીતે કરવા માટે કહેવાયું હોવાનું પણ બહાર આવ્યું હતું.પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ-મકાન વિભાગ લઇ લેતા વાહનવ્યવહાર અને નાગરિક ઉડ્ડયન-પ્રવાસન વિભાગ રહ્યા છે.