વિવિધ અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા આશરે 5 કરોડના આંકની નજીક છે ત્યારે કાયદા પ્રધાન કિરણ રિજિજુએ શનિવારે જણાવ્યું હતું કે એક જજ 50 કેસોનો નિકાલ કરે ત્યારે 100 નવા કેસ દાખલ થાય છે, કારણ કે લોકો હજુ વધુ સજાગ બન્યાં છે અને વિવાદના ઉકેલ માટે કોર્ટનો આશ્રય લે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલની કામગીરી અંગેના સેમિનારેમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર પેન્ડિંગ કેસોમાં ઘટાડો કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. મધ્યસ્થીના સૂચિત કાયદાથી કોર્ટમાં લિટિગેશની સંખ્યામાં ઘટાડો કરવામાં મદદ મળશે, કારણ કે તેમાં વૈકલ્પિક વિવાદ ઉકેલ વ્યવસ્થાતંત્ર પર ફોકસ કરાયો છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે જણાવ્યું હતું કે ભારતની કોર્ટો પર અતિશય બોજ છે અને ખીચોખીચ ભરાયેલી છે. પેન્ડિંગ કેસોમાં ચેતવણીજનક વધારો થઈ રહ્યો છે. તેથી મધ્યસ્થી જેવું વિવાદ ઉકેલ વ્યવસ્થાતંત્ર એક મહત્ત્વનું હથિયાર છે. પીઆરએસ લેજિસ્લેટિવ રીસર્ચના અભ્યાસ મુજબ તમામ કોર્ટોમાં 2010 અને 2020ની વચ્ચે પેન્ડિંગ કેસોમાં વાર્ષિક ધોરણે 2.8 ટકા વધારો થયો છે. છેલ્લાં બે વર્ષથી મહામારી અને તેના પરિણામે આવેલી મુશ્કેલીઓથી પેન્ડિંગ કેસોની સ્થિતિ વધુ વણસી છે. ડેટા દર્શાવે છે કે જિલ્લા અને તાલુકા કોર્ટમાં આશરે 4.1 કરોડ કેસ પેન્ડિંગ છે. આ ઉપરાંત વિવિધ હાઇકોર્ટમાં આશરે 59 લાખ કેસ પેન્ડિંગ છે.