જમ્મુ અને કાશ્મીરમાં બિન સ્થાનિક લોકોને મતાધિકાર આપવાની કથિત હિલચાલને પણ વિવાદ ઊભો થયો હતો. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે શનિવારે સ્પષ્ટતા કરી છે કે મતદાર યાદીમાં સુધારણા બાદ 25 લાખ મતદાતાનો ઉમેરો થશે તેવા અહેવાલ સ્થાપિત હિતો દ્વારા તથ્યોનું ખોટું અર્થઘટન છે. મોટા રાજકીય વિવાદ બાદ સ્થાનિક વર્તમાનપત્રોમાં જાહેરખબર આપીને આ સ્પષ્ટતા જારી કરાઈ છે. બિન સ્થાનિક લોકોના મતદાર યાદીમાં સમાવેશના મુદ્દે નેશનલ કોન્ફરન્સના વડા ફારૂખ અબ્દુલ્લાએ સોમવારે આ મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી હિર્દેશ કુમારે તાજેતરમાં જણાવ્યું હતું કે આ કેન્દ્રશાસિતપ્રદેશમાં કલમ 370ની નાબૂદ બાદ પ્રથમ વખત કરવામાં આવેલા મતદાર યાદી સુધારણાને પગલે બહારના લોકો સહિત મતદાતામાં આશરે 25 લાખનો વધારો થવાની ધારણા છે. છેલ્લાં 3 વર્ષમાં મોટી સંખ્યામાં યુવાનો 18 વર્ષના થયા હોવાથી મતદાર યાદીમાં ધરખમ ફેરફારની ધારણા છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે મતદાતા બનવા માટે જમ્મુ અને કાશ્મીરનું ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું જરૂરી નથી. કોઇપણ કર્મચારી, વિદ્યાર્થી, મજૂર કે બહારના લોકો કે જેઓ જે એન્ડ કેસમાં રહેતા હોય તેઓ મતદાર યાદીમાં તેમનું નામ નોંધાવી શકે છે.
સરકારે જાહેરખબરમાં સ્પષ્ટતા કરી છે કે કાશ્મીરી માઇગ્રન્ટ માટે તેમના વતનની બેઠકની મતદાર યાદીમાં નોંધણી માટેની ખાસ જોગવાઈઓમાં કોઇ ફેરફાર કરાયો નથી અને આ સુધારણામાં જમ્મુ અને કાશ્મીરના હાલના રહેવાસીઓને આવરી લેવામાં આવશે. તેમને નોંધણીના સ્થળે વોટિંગ અથવા પોસ્ટલ બેલેટ અથવા જમ્મુ, ઉધમપુર, દિલ્હી વગેરે ખાતે મતદાન મથકો મારફત વોટિંગનો વિકલ્પ આપવાનું ચાલુ રહેશે.
સરકારે જણાવ્યું છે કે મતદાર યાદીમાં સુધારણા ચાલુ થયા બાદ આશરે 25 લાખ મતદાતાનો ઉમેરો થશે તેવો દાવો કરતાં મીડિયા અહેવાલો છે. તે સ્થાપિત હિતો દ્વારા ફેલાવવામાં આવેલું તથ્યોનું ખોટું અર્થઘટન છે.