ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેરમાં 26/11 જેવા ત્રાસવાદી હુમલાની ધમકી આપતા ટેક્સ્ટ મેસેજિસ મળ્યા છે. હિન્દી ભાષામાં લખાયેલા આ મેસેજિસ પાકિસ્તાનનો કન્ટ્રી કોડ ધરાવતા ફોન નંબર પરથી મળ્યા છે અને આ સંદર્ભમાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે, એમ અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું. રાયગઢના દરિયા કિનારા પરથી એકે-47 રાઇફલ્સ અને દારુગોળો સાથે એક બોટ મળ્યા આવ્યાના એક દિવસ બાદ આ ધમકીભર્યા મેસેજિસ મળ્યા છે.
મુંબઈના વિરારમાંથી એક વ્યક્તિની અટકાયત કરાઈ હતી. ધમકીભર્યા મેસેજિસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તેની પૂછપરછ કરી રહી છે. ટ્રાફિક પોલીસના વરલી કંટ્રોલ રૂમની હેલ્થપાઇન નંબરના વોટ્સએપ પર શુક્વારે રાત્રે 11.45 કલાકે આ ધમકીભર્યા મેસેજિસ મળ્યા હતા. એક મેસેજમાં જણાવાયું છે કે છ લોકો હુમલાને અંજામ આપશે. બીજા મેસેજમાં જણાવાયું છે કે મુંબઈને ઉડાવી દેવાની તૈયાર ચાલુ છે, જેનાથી 26/11ના હુમલાની યાદ તાજી થશે.
મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ મેસેજમાં 26/11ના હુમલાના આતંકી અજમલ કસાબ અને અલ કાયદાના અલ-ઝવાહિરીનો ઉલ્લેખ છે. આતંકીઓના કેટલાંક સાગરિતો ભારતમાં કામ કરી રહ્યાં છે. પ્રથમદર્શીય રીતે આ ધમકીભર્યા મેસેજિસ પાકિસ્તાનના કંટ્રી કોડના નંબર પર આવ્યા છે. પોલીસે આ મેસેજિસને ગંભીરતાથી લીધા છે. નાગરિકોની સુરક્ષા અને સલામતી પોલીસની જવાબદારી છે. અહીં ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર 2008ના રોજ દરિયાઇ માર્ગથી કસાબ સહિત પાકિસ્તાનના 10 આતંકીઓ ભારતમાં ઘુસ્યા હતા અને તેમણે અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. તેમાં 166 લોકોના મોત થયા હતા.