અમેરિકામાં બે મહિના પહેલા સુપ્રીમ કોર્ટે ગર્ભપાત અંગે ઐતિહાસિક ચૂકાદો આપતા તેની સામે લોકોમાં નારાજગી વ્યાપી હતી. હવે ફ્લોરિડાની એક કોર્ટે વિવાદાસ્પદ ચૂકાદો આપતા લોમેકર્સે વિરોધ દર્શાવ્યો છે.
ફ્લોરિડાની કોર્ટે 16 વર્ષીય કિશોરી ગર્ભપાત કરાવવા માટે યોગ્ય રીતે પરિપક્વ નથી તેવું જણાવતા કેટલાક લોમેકર્સે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટમાં અપીલ કરનાર કિશોરીની ઓળખ થઇ શકી નથી. તેણે નીચલી કોર્ટમાં જણાવ્યું હતું કે, તે બાળકને જન્મ આપવા માટે તૈયાર નથી. તે અત્યારે સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તેની પાસે નોકરી પણ નથી. આ બાળકનો પિતા પણ તેને મદદ કરી શકે તેવી સ્થિતિમાં નથી એટલે તે ગર્ભપાત કરાવવા ઇચ્છે છે.
ફલોરિડામાં ગર્ભપાત કરાવવા ઇચ્છતા સગીરો માટે તેમના માતા-પિતામાંથી કોઇ એકની મંજૂરી જરૂરી હોય છે. પરંતુ આ કિશોરીના માતા-પિતા તે શહેરમાં નથી, તે તેના કોઇ સંબંધીને ત્યાં રહે છે. કિશોરી તે નિયમ મુજબ ગર્ભપાતની માગણી કરી રહી છે. પરંતુ કોર્ટે તેની અરજીને ફગાવતા જણાવ્યું હતું કે તેની પાસે જરૂરી અને મજબૂત પૂરાવા નથી. કિશોરીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, તેના વાલીએ ગર્ભપાત માટે પોતાની મંજૂરી આપી હતી, પરંતુ તે લેખિતમાં નહોતી. કોર્ટના ડોક્યુમેન્ટ્સમાં જણાવ્યા પ્રમાણે કિશોરી 10 અઠવાડિયાથી ગર્ભવતી હતી.
આ અંગે લોમેકર્સે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ડેમોક્રેટિક કોંગ્રેસવૂમન પ્રમિલા જયપાલે ટ્વીટર પર જણાવ્યું હતું કે, કોર્ટના આ ચૂકાદાની ટિકા કરી છે. ફ્લોરિડાના એક ડેમોક્રેટિક લોમેકર લોઇસ ફ્રેન્કેલે જણાવ્યું હતું કે, આ ચૂકાદો અસ્વીકાર્ય છે. આ ફ્લોરિડાની મહિલાઓ માટેની લડત સામે ભયાનકતાનું ઉદાહરણ છે. ઓહાયોના ડેમોક્રેટ જોઇસ બીટ્ટીએ ટ્વીટર પર જણાવ્યું હતું કે, જો કોઇ 16 વર્ષીય કિશોરી ગર્ભપાત માટે અપરિપક્વ છે તો તે બાળકનો ઉછેર કરવા માટે કેટલી પરિપક્વ હશે. પેન્સિલવેનિયાના લોમેકર માલ્કમ કેન્યાટાએ પણ આ પ્રકારનો જ વિરોધી સૂર વ્યક્ત કર્યો હતો.