વડા પ્રધાન બોરિસ જૉન્સને આ વર્ષની શરૂઆતમાં ગુજરાતની મુલાકાત દરમિયાન સાબરમતી આશ્રમમાં લેવાયેલી એક તસવીર ટ્વિટ કરી અમદાવાદમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી યુકેમાં ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીની 75મી વર્ષગાંઠનું નેતૃત્વ કર્યું હતું. વિપક્ષી લેબર પાર્ટીના નેતા સર કૈર સ્ટાર્મરે પણ ટ્વિટર પર ભારતીયો અને બ્રિટિશ ભારતીયોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.
વડા પ્રધાન બોરિસ જૉન્સને ભારતના લોકોને આઝાદીના 75 વર્ષ પર અભિનંદન આપતાં કહ્યું હતું કે “ગુજરાત અને નવી દિલ્હીની મારી મુલાકાત દરમિયાન મેં મારી જાત માટે આપણા દેશો વચ્ચેનો સમૃદ્ધ જીવંત સેતુ જોયો હતો. હું આગામી 75 વર્ષોમાં આ જોડાણને મજબૂત કરવા માટે ઉત્સુક છું.”
વિપક્ષી લેબર પાર્ટી નેતા સર કૈર સ્ટાર્મરે એક વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે “લેબર પાર્ટી વતી હું ભારતના લોકો અને બ્રિટીશ ભારતીયોને આઝાદી પર્વે શુભેચ્છાઓ પાઠવું છું. ભારતને આઝાદી અપાવવા માટે ટેકો આપવામાં લેબર પાર્ટીની ભૂમિકા પર મને ગર્વ છે. અમારા 1945ના મેનિફેસ્ટોએ ભારતની પોતાની સરકાર પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને સ્પષ્ટ કરી હતી. 1947માં, ત્યારના લેબર વડા પ્રધાન તરીકે ક્લેમેન્ટ એટલીએ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ પસાર કર્યો હતો. ત્યારથી, લેબર પક્ષ દેશમાં ઇન્ક્લુસિવ સમાજનું નિર્માણ કરવા સાથે વિદેશમાં આંતરરાષ્ટ્રીયવાદ અને સહકારના મૂલ્યોને પ્રોત્સાહન આપવામાં મોખરે છે. આજે આપણે જીવંત, બહુ-વિશ્વાસપૂર્ણ લોકશાહીની ઉજવણી કરીએ છીએ, જે ભારત બની ગયું છે. ભારતે ગોલ્બલ લીડરશીપ ઉપરાંત વિશ્વને IT, સંગીત, સંસ્કૃતિ અને કુઝીન ક્ષેત્રે યોગદાન આપેલું છે. ભારત અને બ્રિટનના સંબંધો બન્ને દેશો માટે સતત ઘેરા રહેશે.’’
બ્રિટીશ ભારતીયોએ NHS સહિત વિવધ ક્ષેત્રે આપેલા યોગદાનની સરાહના કરતા સર કૈરના આ વિડીયો સંદેશમાં તેમણે લીધેલી લંડનના BAPS સ્વામિનારાયણ મંદિર, ગુરૂદ્વારા સહિત યુકેના મંદિરોની મુલાકાતો દર્શાવાઇ હતી.
ભારતીય મૂળના લેબર સંસદ નવેન્દુ મિશ્રાએ જાહેરાત કરી હતી કે વિરોધ પક્ષ 75મી સ્વતંત્રતાની વર્ષગાંઠની ઉજવણી સાથે સુસંગત રહેવા માટે ભારતીય ડાયસ્પોરા-કેન્દ્રિત જૂથને ધ લેબર કન્વેન્શન ફર ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશનને પુનર્જીવિત કરી રહ્યું છે.