દર વર્ષે 30 મિલિયન લોકો જેની મુલાકાત લે છે તે લંડનની યુરોપના સૌથી હરિયાળા શહેર તરીકે પસંદગી કરવામાં આવી છે.
તુલનાત્મક વેબસાઇટ નર્ડવોલેટ દ્વારા યુરોપમાં ટોચના 30 સૌથી વધુ વસ્તીવાળા શહેરોનું વિશ્લેષણ કરાયું હતું. જે પછી તેના યુરોપિયન ફર્સ્ટ-ટાઇમ બાયર્સ રિપોર્ટમાં જણાવાયું હતું કે લંડન તેની ગ્રીન સ્પેસ – પાર્ક્સની સંખ્યા સાથે ટોચ પર છે. લંડનમાં હાઇડ પાર્ક અને રિચમન્ડ પાર્કના પ્રખ્યાત વિસ્તારોથી લઈને વ્હાઇટહોલ ગાર્ડન્સ અને ગ્રોવનર ગાર્ડન્સ જેવા શાંત વિસ્તારો સુધી કુલ 3,000 પાર્ક આવેલા છે.
લંડન પછી બર્લિનમાં 2,500, વિયેનામાં 2,000, હેમ્બર્ગમાં 1,460, પેરિસમાં 480, ડબલિનમાં 303, પ્રાગમાં 200, બાર્સેલોનામાં 114, માર્સેલીમાં 68 અને રોમમાં 63 પાર્ક આવેલા છે.
ગ્રીનીચ પાર્ક, રીજન્ટ્સ પાર્ક અને ગ્રીન પાર્ક જેવા પ્રખ્યાત રોયલ પાર્કની વિશાળ જગ્યા માટે લંડન જાણીતું છે. લંડનના પાર્ક્સનો ઉપયોગ ઘણી બધી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પણ બેકડ્રોપ તરીકે કરવામાં આવ્યો છે.