લોર્ડ પોપટે ગયા અઠવાડિયે સ્ટેનમોર ખાતેના તેમના ઘરે પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકને શુભેચ્છા આપવા અને તેમની તરફેણમાં મતદાન વધે તે માટે એક મીટનું આયોજન કર્યું હતું. જેમાં સુનકે જણાવ્યું હતું કે ‘’મારો ઉછેર સખત મહેનતમાં વિશ્વાસ કરવા માટે થયો હતો. જો તમે સખત મહેનત કરો છો, તો એવું કંઈ જ નથી જે તમે જીવનમાં પ્રાપ્ત કરી ન શકો. મેં આપેલા વચનો પાળવા માટે હું મારાથી બનતું બધું જ કરીશ. ભારતીય મૂલ્યો મને મારા પરિવાર અને સમાજને વધુ વળતર આપવા માટે પ્રેરિત કરે છે.’’
યુગાન્ડાના એશિયન હકાલપટ્ટીની 50મી વર્ષગાંઠ પહેલા લોર્ડ ડૉલર પોપટના ઘરે સુનકે કહ્યું હતું કે “હું આ દેશમાં કેટલાક દિવસોથી ઘણાં લોકોને મળ્યો છું. ઘણાં લોકો મને કહે છે કે તૂં દેખાય છે ટૂંકો પણ હકિકતમાં ઘણો ઉંચો છે. હું અહીં ઊભો છું કારણ કે તમારામાંથી ઘણાની જેમ આ દેશે આપણા પરિવારો માટે ઘણું અવિશ્વસનીય કર્યું છે. તેણે આપણને અહીં ઇમિગ્રન્ટ્સ તરીકે આવકાર્યા છે. મારી મમ્મી સાઉધમ્પ્ટનમાં સ્થાનિક કેમિસ્ટ ચલાવતી હતી તો મારા પિતા એનએચએસ જીપી હતા. મારો ઉછેર ચોક્કસ મૂલ્યો સાથે એ માનવા માટે થયો હતો કે કુટુંબ જ સર્વસ્વ છે અને કુટુંબ લાગણીનું એવું બંધન પૂરા પાડે છે જે આપવાની કોઈ પણ સરકાર આશા રાખી ન શકે.’’
તેમણે કહ્યું હતું કે “લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે શિક્ષણની શક્તિમાં વિશ્વાસ કરવા માટે મારો ઉછેર કરાયો હતો. જેને કારણે તમે વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરી શકો છો. હું નાના બિઝનેસીસની મહત્તા પણ જાણું છું. હું મારી મમની કેમિસ્ટ શોપમાં મદદ કરતો, તેમના એકાઉન્ટ્સ, પે રોલ સંભાળતો અને પ્રેસ્ક્રિપ્શન પહોંચાડતો. મેં ભારતીય રેસ્ટોરંટમાં વેઇટર તરીકે પણ કાર્ય કર્યું છે. આ મારા મુલ્યો છે અને તમારા પણ આવા જ મુલ્યો છે, જે કોન્ઝર્વેટીવ પાર્ટીના છે. માટે જ હું પ્રાઇમ મિનિસ્ટર બનવા માંગુ છું. મારા જેવી જ તકો દેશના હજ્જારો બાળકોને મળે તે જોવા માંગું છું. આપણે વિશ્વાની સ્થાપના કરવાની છે, દેશના અર્થતંત્રને વેગ આપવાનો છે અને દેશને એક કરવાનો છે. વિશ્વાસ કેળવવાનો છે. મારો માર્ગ અને પસંદગી આસાન નથી. NHS બેકલોગ હોય કે ઇલીગલ ઇમીગ્રેશન બધી ચેલેંજીસનો આંત લાવવાનો છે. જો હું આ (વડા પ્રધાનનું) પદ મેળવવા માટે પૂરતો ભાગ્યશાળી બનીશ તો હું મારા મન – હ્રદયથી તમને કોન્ઝર્વેટિવ્સના મૂલ્યો પહોંચાડીશ જે આપણા દેશને પ્રિય છે. હું કન્ઝર્વેટીવ છું અને હું ચાહું છું કે લોકો વધુ કમાણી કરે અને વધુ રકમ પોતાની પાસે રાખી શકે. હું બાળકોના ભાવિ સાથે ખિલવાડ કરી ન શકું. હું તેમના પર વ્યાજનું ભારણ આપી ન શકું. આગામી સામાન્ય ચૂંટણી સુધીની તમામ કાઉન્સિલની ચૂંટણીઓ જીતી શકીએ તેની ખાતરી કરવા માટે મને જે મળ્યું છે તે બધું જ આપીશ. કારણ કે હું જાણું છું કે લોર્ડ ડૉલર પોપટ સહિત આ રૂમમાં ઉપસ્થિત તમારામાંથી ઘણા લોકોના પ્રયત્નો, બલિદાન અને સખત મહેનત આજે મારા માટે અહીં ઊભા રહેવાનો અને આપણા પ્રથમ વંશીય લઘુમતી વડા પ્રધાન બનવાનો માર્ગ મોકળો કરી રહ્યાં છે. તે ઋણ ચૂકવવા માટે, હું તમારા વડા પ્રધાન તરીકે તમારા બધાને ગર્વ અનુભવવા માટે, મારાથી બનતું બધું જ કરીશ.”
યુગાન્ડન એશિયનોમાંના એક અને પ્રતિષ્ઠિત ભારતીય અગ્રણી નેતા લોર્ડ ડોલર પોપટ ઋષિ સુનકને સાથ આપી રહ્યા છે અને કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોને સુનકની પસંદ કરવા માટે સમજાવી રહ્યા છે.
લોર્ડ પોપટે કહ્યું હતું કે “ઋષિ મને આનંદ છે કે અહિં કન્ઝર્વેટીવ પાર્ટીના પ્રતિબધ્ધ અને મહેનતુ કાઉન્સિલર્સ, સીનીયર કેબિનેટ મેમ્બર્સ અને અન્ય અગ્રણીઓ તમને સમર્થન આપવા ઉપસ્થિત રહ્યા છીએ. મને સૌભાગ્ય છે કે શ્રષિ એમપી હતી તે પહેલાથી તેમને જાણું છું. આપની યાત્રા ખરેખર પ્રેરક છે અને તેથી મને ગર્વ થાય છે. હું ઋષિ સુનકનો મોટો સમર્થક છું અને ભારતીય સમુદાય તરફથી તેમને સમર્થન મળે તે માટે પ્રયત્નો કરતાં મને આનંદ થાય છે. પાર્ટીના નેતા અને આપણા ભાવિ વડાપ્રધાન બનવા માટે તેમને ટેકો આપવા બદલ મને ગર્વ છે અને તેમને શુભેચ્છા પાઠવું છું.’’