અમેરિકામાં એક મુસ્લિમ વ્યક્તિ પર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ચાર મુસ્લિમોની શ્રેણીબદ્ધ હત્યાનો આરોપ મૂકાયો છે. આ અંગે એક અગ્રણી અમેરિકન ઇસ્લામિક સંગઠને જણાવ્યું હતું કે, આ ઘટના ‘શિયા વિરોધી તિરસ્કાર’ દ્વારા પ્રેરિત હોઈ શકે છે.
પોલીસે આ ઘટના અંગે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, ન્યૂ મેક્સિકોના અલ્બુકર્કમાં થયેલી હત્યાઓના સંદર્ભમાં તેમણે 51 વર્ષના મુહમ્મદ સૈયદની ‘પ્રાથમિક શંકાસ્પદ’ આરોપી તરીકે ધરપકડ કરી છે.અધિકારીઓ, નાગરિક અધિકાર જૂથો તથા મીડિયાએ ઈસ્લામિક સમુદાયમાં મુસ્લિમો વિરુદ્ધ પૂર્વગ્રહયુક્ત હુમલાનો ડર ફેલાવ્યો હતો.
આ અંગે પ્રેસિડેન્ટ બાઇડેને ટ્વિટ કર્યું હતું કે, તેઓ આ હત્યાઓથી ‘નારાજ’ છે અને તેમનું ‘એડમિનિસ્ટ્રેશન મુસ્લિમ સમુદાયના મજબૂત સમર્થનમાં ઊભું છે’.અધિકારીઓએ સૈયદની રાષ્ટ્રીયતા જાહેર કરવામાં આવી નથી, પરંતુ અમેરિકામાં શિયા વિરોધી હત્યાઓની સંભાવના એ સંકેત આપી શકે છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક અશાંતિમાં સુન્ની ત્રાસવાદી જૂથો શિયાઓને નિશાન બનાવે છે તે અમેરિકા સુધી પહોંચી ગઇ છે.
આ પૈકી બે હત્યાઓ શિયાઓ માટેના ધાર્મિક શોકના સમયગાળા-મોહરમ દરમિયાન થઈ હતી.કાઉન્સિલ ઓન અમેરિકન ઈસ્લામિક રીલેશન્સ (CAIR) એ તાજેતરમાં સ્વીકાર્યું હતું કે, તેમના ડેપ્યુટી ડાયરેક્ટર એડવર્ડ અહેમદ મિશેલે અગાઉ જાહેર ચેતવણી આપી હતી કે, ‘અલ્બુકર્કમાં મુસ્લિમોના જીવ પર જોખમ છે.’ તેમણે અમેરિકાભરના મુસ્લિમોને સર્તક રહેવા જણાવ્યું હતું. આવી ટીપ્પણી પછી સંસ્થાએ જણાવ્યું હતું કે, ‘શિયા વિરોધી તિરસ્કાર’ આ હત્યાઓ માટે પ્રેરિત હોઈ શકે છે.