અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને મિલ્ક પ્રોડક્ટ્સનું વેચાણ કરતી ગુજરાત કોઓપરેટિંગ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)એ દૂધના ભાવમાં લિટર દીઠ રૂ.2નો વધારો કર્યો છે. કંપનીએ કરેલ જાહેરાત પ્રમાણે અમૂલ દૂધના ભાવમાં 17મી ઓગસ્ટ ,2022થી પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અમૂલે દૂધના ભાવમાં છ મહિનામાં આ બીજી વખત વધારો કર્યો છે.અમૂલ ઉપરાંત મધર ડેરીએ પણ દૂધના ભાવમાં લિટરદીઠ રૂ.2નો વધારો કર્યો છે.
ભાવવધારો ગુજરાતના અમદાવાદ અને સૌરાષ્ટ્ર, દિલ્હી એનસીઆર, પશ્ચિમ બંગાળ અને મુંબઈ સહિતના તેના તમામ બજારો માટે કરવામાં આવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં પશુઓના ખોરાકનો ખર્ચમાં અંદાજીત ૨૦% જેટલો વધારો છે. અમૂલની પોલિસી અનુસાર દૂધ અને દૂધની વસ્તુઓ માટે ગ્રાહકો દ્વારા ચૂકવાતા પ્રત્યેક રૂપિયા પેટે લગભગ ૮૦ પૈસા દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવે છે.
અમૂલ ગોલ્ડ દૂધનું 500mlનું પાઉચ 30 રૂપિયા આવતું હતું તેના માટે હવે 31 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ તાજાનો ભાવ પ્રતિ 500ml 25 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ સિવાય અમૂલ શક્તિના 500ml પાઉચ માટે 28 રૂપિયા ચૂકવવા પડશે. આમ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો ભાવ વધારવામાં આવ્યો છે.