ભારતની આઝાદીના ૭૫ વર્ષના પ્રસંગે દેશમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે લોકો સ્વતંત્રતા દિનની ઉજવણી કરી રહ્યાં છે અને દરેક ઘર પર ત્રિરંગો જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશ ‘આઝાદી કા અમૃતમહોત્સવ’માં ગળાડૂબ થઈ ગયો છે. દરેક દેશવાસીના મનમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે જાગૃતિ લાવવા ભારત સરકારનું ત્રણ દિવસનું ‘હર ઘર તિરંગા’ અભિયાન શનિવારથી શરૂ થઈ ગયું છે. દેશના મોટા-મોટા રાજકારણીઓ, બોલિવૂડ હસ્તીઓ, ઉદ્યોગપતિઓથી લઈને સામાન્ય માણસ આ અભિયાનમાં જોડાઈને પોતાના ઘરે તિરંગો ફરકાવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ભારતીયને હર ઘર ત્રિરંગા અભિયાન હેઠળ પોતાના ઘર પર તિરંગો ફરકાવવા અને સોશિયલ મીડિયામાં પોતાના પ્રોફાઈલના ડીપીમાં તિરંગો લગાવવા અપીલ કરી છે. ચંડીગઢમાં ૫,૦૦૦થી વધુ બાળકોએ સાથે મળીને લહેરાતા રાષ્ટ્રધ્વજની દુનિયાની સૌથી મોટી માનવ પ્રતિકૃતિ બનાવીને નવો ગિનિસ રેકોર્ડ સર્જ્યો હતો.
સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાનને આવકારતાં અજમેર દરગાહના વડાએ શનિવારે જણાવ્યું હતું કે, આ અભિયાનથી લોકોમાં દેશભાવના જાગશે અને તે સમગ્ર વિશ્વને એકતાનો સંદેશ પણ પાઠવશે. તિરંગો પ્રત્યેક ભારતીય માટે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. બીજીબાજુ દેશમાં મુસ્લિમોના સૌથી મોટા સંગઠન જમીયત-ઉલેમા-એ-હિંદે પણ તેના ટ્વિટર હેન્ડલનું પ્રોફાઈલ પિક્ચર બદલીને તિરંગો લગાવ્યો છે.
ભાજપે દાવો કર્યો હતો કે હર ઘર તિરંગા અભિયાનને સમગ્ર દેશમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. સ્વતંત્રતા દિવસે ૨૦ કરોડ પરિવારો દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનું લક્ષ્ય હાંસલ કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં પણ ઘરો અને દુકાનો પર તિરંગો લગાવાયેલો જોવા મળ્યો છે. આ અભિયાનના ભાગરૂપે શનિવારે દેશભરમાં અનેક જગ્યાએ તિરંગા યાત્રા નિકળી હતી. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલે શ્રીનગરના ડલ સરોવરમાં હર ઘર તિરંગા રેલીને લીલી ઝંડી આપી હતી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શનિવારે હર ઘર તિરંગા અભિયાન હેઠળ તેના કાર્યાલય પર તિરંગો ફરકાવવાનો વીડિયો જાહેર કર્યો હતો. આરએસએસે સોશિયલ મીડિયા પર તેનું પ્રોફાઈલ પિક્ચર બદલીને તિરંગો મૂક્યો હતો. ભારતના આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવાના પ્રસંગે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સોશિયલ મીડિયા પર તેમના પ્રોફાઈલ પિક્ચરમાં તિરંગો મૂકવાની હાકલ કર્યા પછી સેંકડો લોકોએ તેમના પ્રોફાઈલ પિક્ચર બદલીને તિરંગો મૂક્યો હતો.
14 ઓગસ્ટને પાકિસ્તાન પોતાના આઝાદી દિવસ તરીકે ઉજવે છે.આ પ્રસંગે પાકિસ્તાનના સૈનિકોએ વાઘા બોર્ડર પર ભારતીય સેનાના અધિકારીઓને મીઠાઈ ભેટ આપી હતી.પાકિસ્તાની અર્ધલશ્કરી દળ રેન્જર્સ અને ભારતના અર્ધ લશ્કરી દળ બોર્ડર સિક્યુરિટી ફોર્સના સૈનિકો અને જવાનો વચ્ચે એક બીજાને મીઠાઈની આપલે થઈ હતી.14 ઓગસ્ટની સવારે વાઘા બોર્ડર પર પોતાની સરહદમાં પાકિસ્તાની અધિકારીઓએ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજયો હતો અને પરેડનુ પણ નિરિક્ષણ કર્યુ હતુ.