ભારતમાં કોંગ્રેસ સહિતના 11 વિરોધ પક્ષોએ શનિવારે કેન્દ્રની ભાજપના વડપણ હેઠળની સરકાર દ્વારા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ), મની પાવર અને મીડિયાના કથિત દુરુપયોગ સામે લડત આપવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે. વિપક્ષે દાવો કર્યો છે કે કેન્દ્રની સરકાર દેશની લોકશાહી સામેનો સૌથી ગંભીર પડકાર છે. આ 11 વિપક્ષમાં કોંગ્રેસ, CPIM, SP, BSP, CPI, NCP, TRS, RJD, RLD, વેલ્ફેર પાર્ટી અને સ્વરાજ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. દિલ્હીમાં યોજાયેલીએ એક બેઠકમાં વિપક્ષોએ આ સંકલ્પ કર્યા હતા. વિપક્ષોએ મશીન, મની અને મીડિયા એમ થ્રીએમના પડકારોની વિગતવાર અને લંબાણપૂર્વક ચર્ચા કરી હતી અને તે અંગે સર્વસંમતીથી ઠરાવ પસાર કર્યા હતા.
બેઠકમાં પ્રથમ ઠરાવ EVM અને VVPAT અંગેનો છે. તેમાં જણાવાયું છે કે તે સ્વીકૃત છે કે સંપૂર્ણપણે ઇવીએમ આધારિત મતદાન અને ગણતરી લોકશાહી સિદ્ધાંતનું પાલન કરતાં નથી. લોકશાહી સિદ્ધાંત મુજબ દરેક મતદતાને એ પુષ્ટી કરવાની તક મળવી જોઇએ કે તેમનો મત તેમની મરજીથી અપાયો અને જે મુજબ મત રેકોર્ડ થયો છે તે મુજબ ગણાયો છે. વિપક્ષે દાવો કર્યો છે કે ઇવીએમને ચેડામુક્ત માની શકાય નહીં. વિપક્ષે વોટિંગ પ્રોસેસને સોફ્ટવેર અને હાર્ડવેરથી સ્વતંત્ર બનાવવાની તથા વીવીપીએટી (વોટર વેરિફિયેબર પેપર ઓડિટ ટ્રેઇલ)ને મતદાતા સંપૂર્ણપણે પુષ્ટી કરી શકે તેવી બનાવવાની માગણી કરી છે.
વિપક્ષના બીજા ઠરાવમાં દર્શાવ્યું છે કે આ રીતે ઊભા કરવામાં આવેલા જંગી મની પાવર અને ગુનાહિત મસલ પાવર કેવી રીતે ભારતની ચૂંટણીની વિશ્વસનીયતાનો નાશ કરાયો છે.
વિરોધ પક્ષો જણાવ્યું છે કે ઉમેદવારાના ખર્ચ પર મર્યાદા છે, પરંતુ રાજકીય પક્ષના ખર્ચ પર કોઇ મર્યાદા નથી. સરકાર રાજ્યસભાને બાયપાસ કરવા માટે મની બિલનો માર્ગ અપનાવી રહી છે. ચૂંટણી બોન્ડની સ્કીમ તાકીદે બંધ કરવી જોઇએ. ત્રીજો ઠરાવ મીડિયા અંગેનો છે.