Accident in Sojitra
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડાલી ગામ પાસે રક્ષાૂબંધનના દિને SUV, બાઈક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત નીપજ્યા હતા. અન્ય લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. 

એસયુવી ચાલકે ઓટો રિક્ષા અને મોટરબાઇક પર કાર ચડાવી દીધી હતી. આ ઘટનામાં સોજિત્રાના કોંગ્રેસના ધારાસભ્ય પુનમભાઈ પરમારના જમાઇ કેતન પઢિયારની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. આ ઘટનામાં પોલીસે કેતનની કારની તપાસ કરતા તેમાંથી MLA ગુજરાત લખેલી પ્લેટ મળી આવી હતી. જેના આધારે તપાસ કરતા તેઓ કોંગ્રેસના MLA પૂનમ પરમારના જમાઈ હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ પૂનમ પરમારે તેમના જમાઈ નશામાં હોવાની વાતને તેમની રાજકીય છબીને નુકસાન પહોંચાડવા ઉપજાવી કાઢવામાં આવી હોવાનું કહ્યું છે. 

મૃતકોમાં એક પરિવારના ત્રણ સભ્યનો સમાવેશ થાય છે, જે ભાઇને રાખડી બાંધીને આવતા હતા.મૃતકોમાં જિયાબેન મિસ્ત્રી અને જાનવીબેન મિસ્ત્રી (નવાગઢ ગામ), વિણાબેન મિસ્ત્રી, યસન વોરા (ઓટોરિક્ષા ડ્રાઇવર), યોગેશ ઓડ અને સંદીપ ઓડનો સમાવેશ થાય છે. ત્રિપલ અકસ્માતની જાણ થતાં સોજીત્રા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને સોજીત્રા પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.ઘટનામાં ભોગ બનનાર ચાર સોજીત્રા ગામના તથા અન્ય બે બોરીયાવી ગામના રહેવાસી હોવાના અહેવાલ હતા. પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર ઘટનામાં ભોગ બનનાર ત્રણ સભ્યો તો એક જ પરિવારના છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સોજીત્રા ખસેડવામાં આવ્યા હતા.