ભારતની રાજધાની દિલ્હીમાં કોરોના ફરી વકરી રહ્યો છે. નવા કેસો અને મોતની સંખ્યામાં ચિંતાજનક વધારાને પગલે કોરોનાકાળ દરમિયાન મૂકવામાં આવેલા નિયંત્રણોનો ફરી અમલ થઈ રહ્યો છે. ઓમિક્રોનના નવા સબ વેરિયન્ટ BA 2.75ના કેસો નોંધાયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જાહેર સ્થળો પર ફેસ માસ્ક અનિવાર્ય કરવામાં આવ્યું છે. માસ્ક ન પહેરનારને રૂ.500નો દંડ ભરવો પડશે. જોકે ખાનગી કારમાં સવાર લોકોને માસ્કના ધોરણોમાંથી મુક્તિ આપવામાં આવી છે.
દિલ્હીમાં બુધવારે કોરોનાથી આઠ લોકોના મોત થયા હતા, જે આશરે 180 દિવસોમાં સૌથી વધુ છે. આ ઉપરાંત દૈનિક 2,146 નવા કેસ નોંધાયા હતા. કોરોનાનો પોઝિટિવિટી રેટ વધી 17.83 ટકા થયો હતો, એમ આરોગ્ય વિભાગના ડેટામાં જણાવાયું હતું. મંગળવારે દિલ્હીમાં કોરોનાના નવા 2,495 કેસ નોંધાયા હતા અને પોઝિટિવિટી રેટ 15.41 ટકા હતો. બુધવારે કોરોનાથી સાત લોકોના મોત થયા હતા.
દિલ્હીમાં અગાઉ 13 ફેબ્રુઆરીએ કોરોનાનાથી 12 લોકોના મોત થયા હતા. દિલ્હી સરકારના બુલેટિનમાં જણાવ્યા અનુસાર દિલ્હીમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીની સંખ્યા વધીને 8,205 થઈ છે. આ ઉપરાંત 5,549 દર્દીઓ ઘરેથી સારવાર કરાવી રહ્યાં છે.
દિલ્હીમાં છેલ્લાં બે સપ્તાહના કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. 1-10 ઓગસ્ટ વચ્ચે દિલ્હીમાં કોરોનાના કુલ 19,760 કેસ નોંધાયા છે, એમ સિટી હેલ્થ ડિપાર્ટમેન્ટના ડેટામાં જણાવાયું હતું. આ સમયગાળામાં દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોની સંખ્યામાં આશરે 50 ટકાનો ઉછાળો આવ્યો છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે જણાવ્યું હતું કે કેસોમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ ગભરાટનું કારણ નથી, કારણ કે નવા કેસોમાં હળવા છે.
હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દર્દીઓના સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે આ સપ્તાહે મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલમાંથી અડધો અડધ સેમ્પલમાં ઓમિક્રોનનો સબ વેરિયન્ટ BA 2.75 હોવાનું પરીક્ષણ થયું છે. દિલ્હી સરકારની સૌથી મોટી હોસ્પિટલ LNJP હોસ્પિટલના ડોક્ટર્સે જણાવ્યું હતું કે સબ વેરિયન્ટ પોઝિટિવ આવ્યો છે તેવા દર્દીમાં કોરોનાની તીવ્રતા ઓછી છે અને દર્દીઓ પાંચથી સાત દિવસમાં રિકવર થઈ રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અભ્યાસમાં આશરે 90 દર્દીઓને આવરી લેવામાં આવ્યા હતા અને આ નવો સબ વેરિયન્ટ વધુ ઝડપથી ફેલાય છે.
દેશમાં કોરોનાના નવા 16,299 કેસ અને 53ના મોત
ભારતમાં બુધવારે કોરોનાના વાઇરસના કુલ 16,299 કેસ નોંધાયા હતા અને 53 લોકોના મોત થયા હતા. નવા કેસની સાથે દેશમાં મહામારી પછી કુલ કેસની સંખ્યા વધીને આશરે 4.42 કરોડ થઈ હતી, જ્યારે કુલ મૃત્યુઆંક વધીને 5,26,879 થયો હતો, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કોરોના અંગેની માહિતીમાં જણાવ્યું હતું. બુધવારે થયેલા 53 લોકોના મોતમાંથી ત્રણ લોકોના મોતનો આંકડો અપડેટ પછી ઉમેરવામાં આવ્યો હતો. કેરળમાં આ લોકોના મોત થયા હતા.