ભારત સરકારે બુધવારે જસ્ટિસ યુ યુ લલિતની દેશના 49મા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ કરી છે. આ નિયુક્તિ અંગેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ એન વી રમન્ના 26મી ઓગષ્ટના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ લલિત 27મી ઓગસ્ટે શપથ લેશે.
જસ્ટિસ લલિત વકીલથી સીધા સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા છે.અહીંયા નોંધવું રહ્યું કે જસ્ટિસ લલિત દેશના પ્રખ્યાત વકીલો પૈકી એક રહ્યા છે. જસ્ટિસ લલિતને 13 ઓગષ્ટ-2014ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ મળી હતી, ત્યારથી હમણાં સુધી જસ્ટિસ લલિત સુપ્રીમ કોર્ટના કેટલાક મહત્વપૂર્ણ ચુકાદાઓનો હિસ્સો રહ્યા છે, જેમાં કેરળના પદ્મનાભ સ્વામી મંદિર સંલગ્ન મહત્વના એક કેસમાં ચુકાદો આપ્યો હતો. એટલું જ નહીં, પોક્સો એક્ટ હેઠળ પણ મહત્વનો ચુકાદો આપનારી સુપ્રીમ કોર્ટની બેન્ચના સભ્ય હતા. આ ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે જો કોઇ ખરાબ ઇરાદાથી બાળકના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરે છે તો પછી આ પ્રકારના સ્પર્શને પણ પોક્સો એક્ટની કલમ 7 હેઠળ યૌન ઉત્પીડન માનવામાં આવશે.