ટેસ્લાના વડા ઇલોન મસ્ક વિવાદાસ્પદ રોકાણ અને ટિપ્પણીઓ માટે જાણીતા છે. તાજેતરમાં ઘટસ્ફોટ થયો છે કે, ઇલોન મસ્કે ટ્વીટર સાથે કોર્ટમાં કાનૂની જંગની શરૂઆત પહેલાં ટેસ્લાના ૭ બિલિયન ડોલરના શેર વેચી દીધા છે. મસ્કે નિયમનકર્તાને આપેલી માહિતીમાં ઘણી બાબતો જાહેર કરી હતી. જેમાં તેમણે છેલ્લા કેટલાક દિવસમાં ટેસ્લાના ૮૦ લાખ શેર્સ વેચ્યા હોવાનું જણાવ્યું હતું.
મસ્કે મંગળવારે ટિ્વટ કર્યું હતું કે, “ટિ્વટર આ સોદો પૂરો કરવાની ફરજ પાડે અને કેટલાક ઇક્વિટી ભાગીદારો તેમાં સહભાગી ન બને તો ટેસ્લાના શેરનું તાત્કાલિક વેચાણ ટાળવું જરૂરી છે.” મસ્ક ટેસ્લા અને ટિ્વટર બંનેમાં સૌથી મોટા વ્યક્તિગત શેરધારક છે. ઉલ્લેખનીય છે કે, મસ્કે ગયા સપ્તાહે ટિ્વટર પર કેસ કર્યો હતો અને તેણે ૪૪ બિલિયન ડોલરમાં કરેલા ટિ્વટરના એક્વિઝિશનમાં ફ્રોડનો આરોપ મૂક્યો હતો.
ઇલોન મસ્કે દાવો કર્યો હતો કે, ટ્વીટર ચાવીરૂપ માહિતી છુપાવી હતી અને યુઝર બેઝ અંગે તેની ટીમને ગેરમાર્ગે દોરી હતી. મસ્કે આરોપ મૂક્યો હતો કે, ટિ્વટરે ફ્રોડ કર્યો હતો. ઉપરાંત, કંપનીએ કરારની શરતોનો ભંગ કર્યો હતો અને ટેક્સાસમાં સિક્યોરિટીઝ કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું.