ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થા DGCAએ કોમર્શિયલ પાયલટ લાઇસન્સ માટે અરજી કરનારા ટ્રાન્સજેન્ડર વ્યક્તિની ફિટનેસ ચકાસણી માટેની ગાઇડલાઇન જારી કરી છે. મેડિકલ એક્ઝામિનર્સે આ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ ગયા મહિને એવા મીડિયા અહેવાલને ફગાવી દીધા હતા કે જેમાં કહેવામાં આવ્યું હતું કે કેરળના ટ્રાન્સજેન્ડર એડમ હેરીને નિયમનકારે પાઇલટનું લાઇસન્સ આપવાનો ઇનકાર કર્યો છે. આ મીડિયા રીપોર્ટને તથ્ય વગરનો ગણાવતા DGCAએ તે સમયે જણાવ્યું હતું કે જો કોઇ મેડિકલ, માનસિક કે સાયકોલોજિક સંબંધિત કોઇ બિમારી ન હોય તો ટ્રાન્સજેન્ડર વ્યક્તિને મેડિકલ ફિટનેટ સર્ટિફિકેટ આપી શકાય છે.
બુધવારે DGCAએ તેની ગાઇડલાન્સમાં જણાવ્યું છે કે કાર્ય કરવાની ક્ષમતા તથા સમર્થતાના જોખમની ચકાસણીના સિદ્ધાંતો મુજબ કિસ્સાવાર ધોરણે ટ્રાન્સજેન્ડરની ફિટનેસની ચકાસણી કરવામાં આવશે. છેલ્લાં પાંચ વર્ષમાં હોર્મોન થેરપી લેનારા અથવા લિંગપરિવર્તનની સર્જરી કરનારા ટ્રાન્સજેન્ડરની અરજીનું માનસિક આરોગ્ય સ્ક્રિનિંગ કરવામાં આવશે. જો અરજદાર હોર્મોન થેરપી લેતા હોય તો ટ્રેનિંગ એન્ડોક્રિનોલોજિસ્ટનો વિગતવાર રીપોર્ટ સુપરત કરવો પડશે, તેમાં થેરપીની વિગત, સમયગાળો, ડોઝ, ડોઝના સમય, તેમાં ફેરફાર, હોર્મોન એસે રીપોર્ટ, આડ અસર વગેરેનો સમાવેશ કરવાનો રહેશે. હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી કે લિંગ પરિવર્તન સર્જરી કરનારા અરજદાર ઓછામાં ઓછા ત્રણ મહિના માટે મેડિકલી અનફિટ જાહેર થશે.