લીઝ ટ્રસ આગામી બ્રિટિશ વડા પ્રધાન બને તેવી તમામ શક્યતાઓ છે. સૈદ્ધાંતિક રીતે, ઋષિ સુનક પાસે મતદાન બંધ થાય તે પહેલાં ત્રણ અઠવાડિયા અને કેટલીક બાકી ડીબેટનો સમય છે.
ટ્રસનો ફાયદો થતો હોવાનો મુખ્ય પુરાવો કન્ઝર્વેટિવ સભ્યોના ઓપીનીયન પોલથી નજરે પડે છે. ભૂતકાળ જોઇએ તો સુનક છ મહિના પહેલા સરકાર અથવા ટ્રસ કરતાં વધુ લોકપ્રિય હતા. હવે તેઓ હરિફાઇમાં સરખા ઉતરે અને છેલ્લી ધડીએ આશ્ચર્ય ન કરે તો ટ્રસ સપ્ટેમ્બરમાં સૌથી વધુ મત મેળવીને વડા પ્રધાન બને તે નિશ્ચીત જણાય છે.
વડા પ્રધાન પદના ઉમેદવારોએ એવો પ્રચાર કર્યો છે કે જાણે તેઓ સરકારમાં નહીં પણ વિપક્ષમાં બેઠા હોય. 57 થી 16 ટકા લોકો માને છે કે દેશ ખોટા માર્ગ પર છે. અર્થતંત્ર વિશેનો નિરાશાવાદ 2008ની કટોકટી જેવો છે.
ટ્રસ ચાન્સેલર તરીકે તેમના નજીકના સાથીને ઇચ્છશે અને હાલના ચિફ સેક્રેટરી સાયમન ક્લાર્ક ચાન્સેલર તરીકે પ્રમોશન મેળવી શકે છે અથવા ક્વાસી ક્વાર્ટેંગના નેતૃત્વ હેઠળ ટ્રેઝરી ટીમ બનાવી શકે છે. તેમની નીતિ વિષયક અને વ્યક્તિગત અથડામણો જોતાં ટ્રસ સુનકને કોઇ પદ ન પણ આપે. પણ તેમણે બન્નેએ કેમેરા પર કરેલી કબુલાત મુજબ તેઓ સુનકને ફોરેન સેક્રેટરીની ઓફર કરી શકે છે. આ પદ માટે પ્રથમ બ્રિટિશ એશિયનની વરણી કરવાથી ટ્રસને ગ્લોબલ બ્રિટન માટે એમ્બેસેડર મળી શકે છે. કેમી બેડેનોચને કલ્ચર અથવા એજ્યુકેશન સેક્રેટરી, માઈકલ ગોવને લેવલિંગ અપ સેક્રેટરી કે હોમ ઑફિસ સેક્રેટરી માટે કહેવામાં આવી શકે છે.
ટ્રસ સ્પષ્ટ છે અને તેમનો ત્વરિત ચૂંટણી યોજવાનો કોઈ ઈરાદો નથી. આમ તેમને વડાપ્રધાન તરીકે બે વર્ષનો સમય મળશે. ટ્રસની સરખામણી ઘણીવાર જૉન્સન સાથે કરાય છે, કેમ કે બંને આશાવાદી, બ્લોન્ડ અને રાજકીય રીતે ફ્લેક્સીબલ છે. જે કોઈ આ હરીફાઈ જીતશે તેમને કદાચ સૌથી ભયાવહ વારસાનો સામનો કરવો પડશે.