બાળકોના ICUના ડૉક્ટર ડૉ. સલમાન સિદ્દીકીને જૂન 2019માં ઇસ્ટ લંડનના ટાવર હેમલેટ્સ સીમેટ્રીના કાર પાર્કમાં બિભત્સ વર્તણૂંક કરવા બદલ એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ડૉ. સિદ્દીકીને પોલીસ તરફથી ચેતવણી આપવામાં આવી હતી.
ટ્રિબ્યુનલના દસ્તાવેજો અનુસાર, અધિકારીઓ આવે તે પહેલા બિભત્સ વર્તણૂંક કરવા બદલ ડૉ. સિદ્દીકીને જનતાએ પકડી રાખ્યો હતો. પેનલે સ્વીકાર્યું કે ‘’ડૉ. સિદ્દીકીએ તેની ગેરવર્તણૂક અને પોલીસની ચેતવણી માટે ખેદ અને પસ્તાવો હોવાનું જણાવ્યું હતું, પરંતુ પેનલે કહ્યું હતું કે તેનું વર્તન ગંભીર હતું અને તેણે પોતાના વ્યવસાયના મૂળભૂત સિદ્ધાંતોનો ભંગ કર્યો હતો.” પેનલે સિદ્દીકીને સસ્પેન્ડ કરવું “શિક્ષાત્મક” હશે તેમ જણાવી તેના પર એક મહિના માટે પ્રેક્ટિસ કરવાનો પ્રતિબંધ મૂક્યો હતો.
2011માં વધુ તાલીમ માટે આયર્લેન્ડ જતા પહેલા સિદ્દીકીએ 2001માં પાકિસ્તાનમાં ડૉક્ટર તરીકે લાયકાત મેળવી હતી. તે પછીના વર્ષે યુકે આવ્યો હતો અને નવેમ્બર 2017 અને ઓગસ્ટ 2021 વચ્ચે રોયલ લંડન હોસ્પિટલમાં કામ કર્યું હતું.