બિહારમાં નીતિશ કુમારે રાજીનામું આપ્યાના એક દિવસમાં બુધવારે RJDના ટેકાથી ફરી સરકાર બનાવી છે. પટણામાં રાજ્યપાલ ભવનમાં યોજાયેલા શપથગ્રહણ સમારંભમાં તેમણે આઠમીવાર બિહારના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ ડેપ્યુટી મુખ્યપ્રધાન બન્યા છે. ચાર વર્ષ પહેલા જ એકબીજાથી છૂટા પડેલા જેડીયુ અને આરજેડી ફરી સત્તા માટે ભેગા થયા છે.
નીતિશ કુમારે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી અંગે જણાવ્યું હતું કે 2014માં સત્તા પર આવેલા લોકો શું 2024માં વિજયી બની શકશે? તેમણે તમામ વિપક્ષોને 2024માં ભેગા થવાનું આહ્વાન કરતા વડાપ્રધાનની ખુરશીનો ઉલ્લેખ કર્યા વિના એવી સ્પષ્ટતા પણ કરી હતી કે તેમને કોઈ પદનો મોહ નથી.
નીતિશે આરજેડી, કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષો સાથે મહાગઠબંધન કરીને આઠમીવાર સરકાર બનાવી છે. મહારાષ્ટ્રના પ્રકરણ બાદ ઉદ્ધવ ઠાકરે સાથે જે થયું તે પોતાની સાથે પણ થઈ શકે છે તે વાતનો અંદાજ આવતા જ ચેતી ગયેલા નીતિશે પોતાના એક સમયના વિશ્વાસુ આરસીપી સિંહને કદ પ્રમાણે વેતરી દીધા હતા. આરસીપીને ભાજપની નજીકના માણસ ગણાવાઈ રહ્યા હતા, ભાજપના રાજ્યસભા સાંસદ તેમજ બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ જણાવ્યું હતું કે ભાજપે કોઈનેય દગો કર્યો નથી. અમે જ નીતિશને પાંચવાર બિહારના મુખ્યપ્રધાન બનાવ્યા હતા. જ્યારે આરજેડીએ તેમને બે વાર મુખ્યપ્રધાન બનાવ્યા છે. જેડીયુ અને ભાજપ વચ્ચે 17 વર્ષના સંબંધો છે, પરંતુ બંને વાર નીતિશ કુમારે જ સામે ચાલીને છેડો ફાડ્યો છે. ભાજપ દ્વારા શિવસેનાની માફક જેડીયૂને તોડવાના પ્રયાસ થઈ રહ્યા હતા તેવા આક્ષેપ પર સુશીલ મોદીએ કહ્યું હતું કે શિવસેના સાથે તો ભાજપને ગઠબંધન હતું જ નહીં, ઉલ્ટાનું તે તો સત્તાપક્ષ હતો. જ્યારે જેડીયૂ સાથે અમારું ગઠબંધન હતું અને ભાજપે ક્યારેય કોઈપણ પક્ષ સાથે ગઠબંધન તોડ્યું નથી.