ટ્રાન્સપોર્ટ ફોર લંડન – TFL તેની બેકરલૂ લાઇનનું વિસ્તરણ કેન્ટના ઐતિહાસિક વિસ્તારો – વાયા ન્યૂ ક્રોસ ગેટ અને ઓલ્ડ કેન્ટ રોડ થઇને લુઇશામ સુધી કરવાનું વિચારી રહી છે. ગયા મહિને પ્રોજેક્ટ ફંડિંગ પેકેજ મળ્યા બાદ આ યોજનાઓને તાજગી આપવામાં આવી છે. બેકરલૂ લાઇનના છેલ્લા સ્ટેશન એલિફન્ટ એન્ડ કાસલથી ભૂગર્ભમાં સેલ લાઇન દ્વારા લુઇશામ સુધી પહોંચી શકાશે.
તે પછી વધારાના એક્સ્ટેંશન તરીકે લુઇશામથી લેડીવેલ, કેટફોર્ડબ્રિજ, લોઅર સિડનહામ, ન્યુ બેકનહામ, બેકનહામ જંકશન, ક્લોક હાઉસ, એલ્મર્સ એન્ડ, ઈડન પાર્ક, વેસ્ટ વિકહામ અને હેયસ સુધી લાઇન લંબાવવામાં આવશે.
ટ્રાન્સપોર્ટ ફોર લંડનના જણાવ્યા અનુસાર “આ રૂટમાં કેટલીક ટ્યુબ સર્વિસ હશે, જે ગ્રાહકોના મુસાફરીના સમયમાં સુધારો કરશે અને સાઉથ ઇસ્ટ લંડન અને સેન્ટ્રલ લંડનને સારી રીતે જોડશે.”
એલિફન્ટ એન્ડ કાસલ સ્ટેશન ખાતે પર બેકરલૂ લાઇન માટે ટિકિટ હોલ બનાવવામાં આવશે. ન્યૂ ક્રોસ ગેટ પર બનનાર નવું સ્ટેશન બસ, નેશનલ રેલ અને ઓવરગ્રાઉન્ડ સેવાઓને પણ સારી કનેક્ટિવિટી આપશે.