Nimisha Madhwani
Nimisha-Madhwani

– અમિત રોય દ્વારા

યુગાન્ડાના હાઈ કમિશનર તરીકે ગયા વર્ષે ડિસેમ્બરમાં લંડનમાં નિમાયેલા નિમિષા માધવાણીએ ગયા અઠવાડિયે તેમનું પદ સંભાળ્યું હતું. તેમની વરણી યુગાન્ડા-યુકેના સંબંધોના મહત્વને નવું રૂપ આપશે.

નિમિષા માધવાણી યુગાન્ડાના પ્રીમિયર એશિયન બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે અને દેશના સૌથી અનુભવી રાજદ્વારીઓમાંના એક છે. તેમનો જન્મ યુગાન્ડાના કાકીરામાં 1959માં મીનાબેન અને જયંતભાઇ માધવાણીને ત્યાં થયો હતો. જયંતભાઇના ઉદ્યોગપતિ અને ઉદ્યોગસાહસિક પિતા મુળજીભાઇ પ્રભુદાસ માધવાણી (1894–1958)એ 1930માં માધવાણી ગૃપ ઓફ કંપનીઝની સ્થાપના કરી હતી.

અમીને 1972માં યુગાન્ડાના એશિયનોને હાંકી કાઢ્યા, ત્યારે નિમિષાબેન 13 વર્ષના હતા અને પરિવાર સાથે બ્રિટનમાં આશ્રય મેળવ્યો હતો.

1980ના દાયકામાં નેશનલ રેસિસિટન્સ મુવમેન્ટે સત્તા મેળવી ત્યારે માધવાણી પરિવાર યુગાન્ડા પાછો ફરતા તેમની સંપત્તિ પરત કરાઇ હતી.

નિમિષા 1990માં યુગાન્ડન ડીપ્લોમેટીક સર્વિસમાં જોડાયા હતા. તેમની વરણી યુગાન્ડન દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી તરીકે વોશિંગ્ટનમાં કરાઇ હતી. 2007માં, યુગાન્ડાના ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે નવી દિલ્હીમાં ટ્રાન્સફર કરાઇ હતી અને એક વર્ષ પછી હાઈ કમિશનર તરીકે બઢતી આપવામાં આવી હતી. તેણીને એકસાથે બાંગ્લાદેશ, ભૂતાન, ઈન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, સિંગાપોર, શ્રીલંકા અને થાઈલેન્ડની જવાબદારી પણ સોંપાઇ હતી.

2014માં નિમિષાબેનની વરણી પેરિસમાં એમ્બેસેડર તરીકે કરાઇ હતી. જ્યાં તેમણે 2017સુધી સેવા આપી હતી. ત્યાં, તેમણે પોર્ટુગલ, સ્પેન, OECD અને યુનેસ્કોમાં

રાજદૂત તરીકે પણ સેવા આપી હતી. જાન્યુઆરી 2017માં અબુ ધાબી અને ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી (IRENA) માં યુગાન્ડાની રાજદૂત તરીકે નિયુક્ત કરાયા હતા. નવેમ્બર 2018માં તેમની વરણી કોપનહેગનમાં યુગાન્ડાના દૂતાવાસમાં કરાઇ હતી જ્યાંથી તેઓ ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડનની જવાબદારી પણ સંભાળતા હતા.

નિમિષાબેનની પ્રાથમિકતા યુકેમાં યુગાન્ડાની નિકાસને વેગ આપવાની અને યુગાન્ડામાં બ્રિટિશ રોકાણને પ્રોત્સાહિત કરવાની રહેશે.

તેમની વરણી ઇદી અમીન દ્વારા 90,000 યુગાન્ડા એશિયનોને હાંકી કાઢવાની 50મી વર્ષગાંઠને ચિહ્નિત કરે છે, જેમાંથી લગભગ 30,000 લોકો યુકેમાં શરણાર્થીઓ તરીકે આવ્યા હતા આ દેશમાં તેમણે સફળ અને સમૃદ્ધ જીવનનું નિર્માણ કર્યું છે. તેમની વરણીનું બીજુ કારણ રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની દ્વારા એશિયનોને પાછા ફરવા અને દેશના આર્થિક વિકાસમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ છે.

તેઓ 10થી 13 સપ્ટેમ્બરની વચ્ચે વેપાર અને બિઝનેસ સમિટ માટે લંડનમાં પધારી રહ્યા છે. મુસેવેનીએ આ માટે બ્રિટીશ યુગાન્ડન એશિયનોને મનાવવા માટે એક વિડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેમણે યુકેના એશિયનોને દેશમાં પાછા આવવા, રોકાણ કરવા અને ટેકો આપવા આહ્વાન કર્યું છે.

તેમણે જણાવ્યું હતું કે “છેલ્લા 30 વર્ષોમાં યુગાન્ડાનું અર્થતંત્ર વાર્ષિક સરેરાશ 6 ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે. અમે અમીને જપ્ત કરેલી એશિયનોની મિલકતો પરત કરી છે.’’

વરિષ્ઠ પદ પર પ્રથમ એશિયન તરીકે નિમિષાની નિમણૂક કરવાના મુસેવેનીના નિર્ણયને આવકારતા યુગાન્ડા તેમજ રવાન્ડા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બ્રિટિશ વડા પ્રધાનના ટ્રેડ એન્વોય અને લોર્ડ ડૉલર પોપટે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે “મને આશા છે કે ટૂંક સમયમાં યુકે અને યુગાન્ડા વચ્ચે સીધી ફ્લાઈટ્સ હશે.”

1992માં, મુસેવેનીએ યુદ્ધગ્રસ્ત અર્થતંત્રને પુનઃસ્થાપિત કરવા ભારતીયોને યુગાન્ડા પાછા ફરવા અને દેશના આર્થિક જીવનનો ભાગ બનવા વિનંતી તેમની જપ્ત કરાયેલી મિલકતો પરત કરવા કાયદામાં ફેરફાર કર્યા હતા. જેથી અમુક યુગાન્ડન એશિયનો તેમની મિલકતો અને કારખાના કબજે કરવા પાછા ફર્યા હતા.