– બાર્ની ચૌધરી
ગણતરીના ગ્રાસરૂટ ટોરી સભ્યો ઋષિ સુનકને પ્રથમ અશ્વેત વડા પ્રધાન બનતા અટકાવી શકે છે એવી ચિંતા કેટલાક સાઉથ એશિયન ટોરીઝે વ્યક્ત કરી છે. તેઓ ચિંતિત છે કે બ્રિટન “બ્રાઉન બોય પાસેથી હુકમ લેવા તૈયાર નથી”. સાઉથ એશિયન ટોરી નેતાઓ તેમની પાર્ટીને ઉમેદવારની જાતિના બદલે તેમની નીતિઓના આધારે આગામી વડાપ્રધાન તરીકે પસંદગી કરવા વિનંતી કરી રહ્યા છે.
ગરવી ગુજરાતને એક એશિયન ટોરી એમપીએ કહ્યું હતું કે “સમાજમાં હંમેશા 10 થી 15 ટકા લોકો એવા હોય છે જેઓ શ્યામ કે બ્રાઉન વ્યક્તિની આગેવાની સ્વિકારવા તૈયાર હોતા નથી. આ વલણને આપણે રેસિસ્ટ કહીશું. પક્ષ સમાજને પ્રતિબિંબિત કરે છે, અને તેથી તેઓ એવા સભ્યો હશે જે આપણા દેશનું ભાવિ નક્કી કરી શકે.”
‘’એક સમયે “ધ નાસ્ટી પાર્ટી” તરીકે ઓળખાતી ટોરી પાર્ટીના ભૂતપૂર્વ વડા પ્રધાન થેરેસા મેએ અશ્વેત લોકોને આકર્ષવા માટે સખત મહેનત કરી હતી. બે મહિલાઓને નેતા તરીકે ચૂંટનાર આ પક્ષ સાઉથ એશિયનને તેનું સુકાન સોંપવા મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષોમાં સૌથી નજીક છે. પરંતુ તેનો અર્થ એ નથી કે પક્ષ જાતિ સંબંધિત સમસ્યાઓથી મુક્ત છે’’ એમ એક સૂત્રે જણાવ્યું હતું.
“જો તમે ઋષિના ક્રેડેન્શીયલ, વિન્ચેસ્ટર, ઓક્સફર્ડ અને પછી સ્ટેનફર્ડના હેડ બોય તરીકે જોશો, તો તે આર્કીટાઇપલ એસ્ટાબ્લિશમેન્ટ ફિગર છે. પરંતુ તેને લઘુમતી મતદારોને અપીલ કરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે જેઓ હજુ પણ ઇમિગ્રેશન જેવા મુદ્દાઓમાં સુનક પર અવિશ્વાસ ધરાવે છે.’’
જૉન્સનની કેબિનેટ, યુકેના રાજકીય ઇતિહાસમાં વંશીય રીતે સૌથી વધુ વૈવિધ્યસભર હતી. સાંસદોએ આપેલા મતમાં તેમણે દર્શાવ્યું હતું કે ઉમેદવારની ત્વચાના રંગ હવે કોઈ વાંધો નથી. તેમ છતાં, વેસ્ટમિન્સ્ટરના સૂત્રોએ જણાવ્યું હતું કે ટોરીઝે હજુ થોડો રસ્તો કાઢવો બાકી છે.
વરિષ્ઠ એશિયન ઇનસાઇડરે જણાવ્યું હતું કે “કન્ઝર્વેટિવ પાર્ટી સહિતની પાર્ટીઓમાં એક મોટી સમસ્યા એ છે કે તમે વિવિધ સમુદાયોના – રંગીન લોકોને તેમના પ્રતિનિધિ તરીકે કેવી રીતે સ્વીકારો છો. તેમના હુકમ સ્વીકારવા વિશે છે. તેથી, તે એક પડકાર રહે છે.”
ભૂતકાળમાં ટોરી બેરોનેસ સઈદા વારસીએ તેમની પાર્ટી પર ઈસ્લામોફોબિયાનો આરોપ લગાવ્યો હતો. તેને કારણે સાજિદ જાવિદે 2019ની નેતૃત્વની લડાઈ દરમિયાન આ અંગે તપાસ કરવા માટે પક્ષ તરફથી પ્રતિબદ્ધતા મેળવી હતી.
ગયા વર્ષે પૂર્વ ઇક્વાલીટી એન્ડ હ્યુમન રાઇટ્સ કમિશ્નર પ્રો. સ્વરણ સિંહ દ્વારા કરાયેલી તપાસમાં જણાયું હતું કે “મુસ્લિમ વિરોધી ભાવના પાર્ટીમાં એક સમસ્યા છે પણ સંસ્થાકીય જાતિવાદના “કોઈ પુરાવા” નથી. જો કે વારસીએ તે ક્યારેય સ્વીકાર્યું નહતું.
એક એશિયન ટોરી વેસ્ટમિન્સ્ટર સ્ત્રોતે જણાવ્યું હતું કે, “આ સાબિત કરે છે કે પક્ષ સંસ્થાકીય રીતે જાતિવાદી નથી. દરેક પક્ષને સમસ્યા હોય છે. લેબર અને એન્ટી સેમિટિઝમને જ જુઓ. જો આપણે આગળ નહિં વધીએ તો એશિયનોને હંમેશા દોષ જોતા લોકો તરીકે જોવામાં આવશે.”
જાન્યુઆરીમાં, પાર્ટીની પ્રથમ મુસ્લિમ મહિલા સાંસદ નુસરત ગનીએ તેણી “મુસ્લિમ” હોવાના કારણે ટ્રાન્સપોર્ટ સેક્રેટરી તરીકે કાઢી મૂકાયા હતા.
ગરવી ગુજરાત સાથે વાત કરતાં ગનીએ કહ્યું હતું કે તેણીને ઇસ્ટ સસેક્સના સૌથી વધુ વ્હાઇટ મતદારક્ષેત્રમાંના એક વેલ્ડેન માટે “કેમ્પેઇનર” હોવાથી પસંદ કરાઇ હતી. પરંતુ તે મુસ્લિમ હોવાનું જણાતા કેટલાક સભ્યોએ રાજીનામું આપી દીધું હતું. અમારી પાસે નદિમ ઝહાવી, ક્વાસી ક્વારટેંગ, ઋષિ અને કેમી બેડેનોક છે. પરંતુ ગ્રાસરૂટ લેવલના લોકો આપણને એવું નથી કહેતા.’’
પાર્ટીના એક સભ્યએ કહ્યું હતું કે “જો એશિયન ઉમેદવાર તરીકે સાંસદ તરીકે ઊભા રહેવા જાવ ત્યારે શ્વેત ઉમેદવારો કરતાં મોટી અડચણોનો સામનો કરવો પડે છે.”
પાર્લામેન્ટરી અને પાયાના સભ્યોએ વારંવાર ગરવી ગુજરાતને કહ્યું છે કે ‘’બાબતો સુધરી છે, પણ સમસ્યા એ છે કે પક્ષ સમાજમાંથી લોકોની ભરતી કરે છે, જેમાંથી એક ભાગ જાતિવાદી મંતવ્યો ધરાવે છે.’’
બ્રિટિશ ફ્યુચર થિંક ટેન્કના તાજેતરના સર્વેમાં જ્યારે પૂછાયું કે ‘’બ્રિટને 50 વર્ષ પહેલા યુગાન્ડાના 30,000 એશિયનોને સ્વીકાર્યા હતાં તે યોગ્ય હતું? યુકેના જીવનમાં આર્થિક અને સાંસ્કૃતિક યોગદાન આપ્યું હોવા છતાં, 13 ટકા લોકોએ કહ્યું હતું કે તે ખોટો નિર્ણય હતો. તેના ડિરેક્ટર, સુંદર કટવાલા કહે છે કે “સર્વે બતાવે છે કે આ દેશના 25 ટકા લોકો વ્યાપકપણે માને છે કે સરહદો બંધ કરો અથવા શક્ય તેટલું ઓછું ઇમિગ્રેશન રાખો. 10 ટકા લોકો એવા છે જેમને સખત રેસીસ્ટ હોવાનો આનંદ છે. 13 ટકા લોકો એવા છે જેમને હવેના સમાજના ધોરણો અપનાવવાની જરૂર નથી. અમુક લોકો નાખુશ છે અને તેમને દેશ પાછો જોઇએ છે.’’
સૌથી મોટી ટીકાઓમાંની એક એ છે કે સુનકે જમણી તરફ જઇને કહેવું પડ્યું હતું કે તે હજારો ઇમિગ્રન્ટ્સને બ્રિટનમાં પ્રવેશવા દેશે નહીં.
એક સંસદસભ્યએ કહ્યું, “અમારી એશિયનોની સમસ્યા એ છે કે એકવાર કોઈ સ્થાન પર પહોંચીએ, પછી આપણું સર્વાઈવલ મિકેનિઝમ શરૂ થઈ જાય છે. આપણે સાબિત કરવું પડશે કે અમે ગુનાખોરી બાબતે વધુ આકરા છીએ, ઇમિગ્રેશન પર વધુ રૂઢિચુસ્ત છીએ, અને અમે અલગ હોઈ શકતા નથી. આપણે સ્વીકારીએ છીએ કે ટકી રહેવા અને પ્રગતિ કરવા આપણી મૂળ માન્યતાઓને બદલી છે, દગો કર્યો છે, પરંતુ તે કોઈની સમક્ષ સ્વીકારતા નથી.”
એવોર્ડ વિજેતા અગ્રણી, લેખક, પત્રકાર અને કટારલેખક, યાસ્મીન અલીભાઈ-બ્રાઉન કહે છે કે “સુનક એકદમ જમણી તરફ ભટકી ગયા છે, તે જે આત્યંતિક બાબતો કહી રહ્યા છે તે ભયાનક છે. તેણે ક્યારેય ગરીબીને જાણી નથી, તેનું હૃદય હંમેશા પ્રિવીલેજ્ડ લોકો સાથે રહેશે, અને મને તે ખૂબ જ સમસ્યારૂપ લાગે છે. મને લાગે છે કે જાતિ આમાં ભાગ ભજવી રહી છે. તે માને છે કે તેમને બ્રાઉન માણસ તરીકે જોવામાં આવતો નથી, અને તે જીવલેણ છે.”