યુગાન્ડામાંથી 1972માં હકાલપટ્ટીના 50 વર્ષ પૂરા થવાના પ્રસંગે યુગાન્ડાની સાઉથ એશિયન કમ્યુનિટીના સભ્યો શનિવાર, 6 ઓગસ્ટે લંડનના બ્રેન્ટ ક્રોસ શોપિંગ સેન્ટર ખાતે એકઠા થયા હતા અને શરણાર્થી તરીકે આગમન પછી બ્રિટનમાં આપેલા હકારાત્મક યોગદાનની ઉજવણી કરી હતી.
એક દિવસના આ કાર્યક્રમમાં યુગાન્ડાના એશિયન ડાયાસ્પોરાના ઇતિહાસને ફરી યાદ કરતું એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. તેમાં હકાલપટ્ટીના સમયગાળાની વસ્તુઓ અને વ્યક્તિગત પુરાવા તથા એક ડોક્યુમેન્ટરી ફિલ્મનો સમાવેશ કરાયો હતો. આ ઉપરાંત તેમાં 15મી સદી દરમિયાન પૂર્વ આફ્રિકામાં ભારતીયોના પ્રથમ આગમનથી લઇને આજના દિવસ સુધીનો વિગતવાર ઘટનાક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વિશ્વવિખ્યાત સુજાતા બેનરજી ડાન્સ કંપની દ્વારા સાઉથ એશિયન ડાન્સ વર્કશોપ પણ યોજાયો હતો. તેમાં વિશ્વ ઇતિહાસના આ મહત્ત્વના સમયગાળાની સ્ટોરી ટેલિંગ મારફત કમ્યુનિટીના સભ્યોને એકબીજા સાથે ફરી જોડાણની તક પણ હતી.
શનિવારની ઇવેન્ટ યુગાન્ડન એશિયન હેરિટેજની બ્રિટિશ વુમેનના એક ગ્રૂપ યુગાન્ડન એશિયન્સ દ્વારા આયોજિત શ્રેણીબદ્ધ ઇવેન્ટ પૈકીની એક છે.
આ ઇવેન્ટના કો-પ્રોડ્યુસર સેજલ સચદેવે જણાવ્યું હતું કે મારા પરિવારને યુગાન્ડા છોડવાની ફરજ પાડવામાં આવી ત્યારે હું માત્ર સાત વર્ષની હતી અને મે પ્રથમ થોડા સપ્તાહ મેરફિલ્ડ રેફ્યુજી કેમ્પમાં ગાળ્યા હતા. મે ક્યારેય કલ્પના કરી ન હતી કે 50 વર્ષ બાદ હું અહીં ઉત્તરપૂર્વ લંડનના કેન્દ્રમાં આવીશ, જ્યાં અમે પ્રથમ વખત રહ્યાં હતા. હું મારા માતાપિતાની તેમના બલિદાન માટે આભારી છું. હું તે બાબતની પણ ઋણી છું કે 1972ની આ ટ્રેજિક ઇવેન્ટને યાદ કરવા તથા બ્રિટનના જીવનમાં અમારા પ્રદાનની ઉજવણી કરવા સ્થાનિક કમ્યુનિટીના ઘણા સભ્યો પણ આવ્યા હતા.
ઇવેન્ટના કો-પ્રોડ્યુસર સેજલ મજિઠિયા-જયસ્વાલે જણાવ્યું હતું કે આજની જનમેદનીથી હું અભિભૂત થઈ છે. યુગાન્ડાના એશિયન કમ્યુનિટીના ઘણા સભ્યો જ એકઠા થયા છે, તેમાં કેટલાંક હાલમાં 90 વર્ષની નજીકના છે. તેમાં બીજા ઘણા કલ્ચરના લોકો પણ સામેલ થયા છે. હું ખાસ કરીને કોસોવોની મહિલાઓથી પ્રભાવિત છું. આ મહિલાઓએ મને પોતાનો દેશ છોડવો પડ્યો તેની કહાની કહી હતી અને યુગાન્ડાના એશિયા કમ્યુનિટીની કહાની કેવી રીતે તેમની કહાનીને મળતી આવે તેની માહિતી આપી હતી.
યુગાન્ડન એશિયન્સ-એ લિવિંગ હિસ્ટરી યુગાન્ડાના એશિયના ડાયાસ્પોરાના ઇતિહાસ અને કલ્ચરને જીવંત રાખવાના મિશન પર છે. યુગાન્ડામાંથી હકાલપટ્ટીના 50 વર્ષ પૂરા થવાના પ્રસંગે આ ગ્રૂપ તમામ કમ્યુનિટીના લોકોને એકસાથે લાવવા માટે લંડનમાં અને તેની આજુબાજુ સંખ્યાબંધ ઇવેન્ટ્સનું આયોજન કરી રહ્યું છે.