મોંઘવારી, બેરોજગારી અને આવશ્યક ચીજવસ્તુઓ પર જીએસટીના અમલ સહિતના મુદ્દે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંઘી સહિતના કોંગ્રેસના નેતાઓએ શુક્રવારે દિલ્હીમાં પાર્ટીના હેડક્વાર્ટર બહાર મોટાપાયે વિરોધ પ્રદર્શન કર્યા હતા. પોલીસે રાહુલ અને પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લીધા હતા.
સોનિયા ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસના સાંસદોએ સંસદમાં કાળા કપડા પહેર્યા હતા. રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યોએ હોબાળો કરતાં ગૃહને મોકૂફ રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસ વર્કિગ કમિટીના સભ્યો અને વરિષ્ઠ નેતાઓએ પીએમ હાઉસ ઘેરાવોમાં ભાગ લેવાની યોજના બનાવી હતી, જ્યારે લોકસભા અને રાજ્યસભાના કોંગ્રેસ સાંસદોએ સંસદથી ચલો રાષ્ટ્રપતિ ભવન યાત્રા કાઢી હતી.
પક્ષના હેડક્વાર્ટરની બહાર પ્રિયંકા ગાંધીએ મોરચો સંભાળ્યો હતો અને તેઓ તેમના સાંસદો સાથે વડાપ્રધાન નિવાસસ્થાનને ઘેરાવો કરવા માટે નીકળ્યા હતા, પરંતુ અહીં પણ પોલીસે તેમને અટકાવ્યા હતા. પરિણામે તેઓ રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. પોલીસે તેમની પણ અટકાયત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતાઓ અજય માકન, સચિન પાયલટ, હરીશ રાવત, અભિનાશ પાંડે સહિત કોંગ્રેસના તમામ મોટા નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
કોંગ્રેસ નેતા રાહુલે ગાંધીએ જણાવ્યું હતું કે આજે દેશમાં લોકશાહી નથી, માત્ર સરમુખત્યારશાહી જ છે.ચાર લોકોની સરમુખત્યારશાહી છે. અમે મોંઘવારી અને લોકોને શું વહેંચવામાં આવી રહ્યું છે એના પર બોલવા માગીએ છીએ. અમને સંસદ ભવનમાં બોલવા દેવામાં આવતા નથી. જે કોઈ વિરોધ કરે છે તેની ધરપકડ કરવામાં આવે છે. આજે હિન્દુસ્તાનની આ હાલત છે.