ભારતના શેરબજારમાં તાજેતરમાં લિસ્ટિંગ કરાવાની સરકાર માલિકીની જીવન વીમા નિગમ (LIC)એ નવી ફોર્ચ્યુન ગ્લોબલ 500 યાદીમાં સ્થાન મેળવ્યું છે. ભારતની ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ આ યાદીમાં 51 સ્થાનની છલાંગ લગાવી છે. વૈશ્વિક સ્તરે આ યાદીમાં અમેરિકાની રિટેલ કંપની વોલમાર્ટ ટોચના સ્થાને છે. ફોર્ચ્યુનની આ યાદીમાં કુલ નવ ભારતીય કંપનીઓ છે, જેમાંથી પાંચ જાહેર ક્ષેત્રની અને ચાર ખાનગી ક્ષેત્રની કંપનીઓ છે. ભારતીય કંપનીઓમાં માત્ર LIC જ રિલાયન્સથી ઉપર છે.
એલઆઇસી 97.26 બિલિયન ડોલરની આવક અને 55.38 કરોડ ડોલરના નફા સાથે દેશની સૌથી મોટી વીમા કંપની છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ફોર્ચ્યુન 500 યાદીમાં એલઆઇસી 98મા ક્રમે છે. બીજી તરફ દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2022ની આ યાદીમાં 51 સ્થાનની છલાંગ લગાવીને 104મા સ્થાને પહોંચી છે.
ફોર્ચ્યુન 500ની યાદીમાં લિસ્ટેડ કંપનીઓના વેચાણને આધારે ક્રમ આપવામાં આવે છે. રિલાયન્સ 93.98 બિલિયન ડોલરની આવક અને 8.15 બિલિયન ડોલરના ચોખ્ખા નફા સાથે 19 વર્ષથી આ યાદીમાં છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) 28 સ્થાનના કૂદકા સાથે 142મા સ્થાને છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) 16 સ્થાન વધીને 190 પર છે. આ યાદીમાં ટાટા જૂથની બે કંપનીઓ ટાટા મોટર્સ (370મા ક્રમે) અને ટાટા સ્ટીલ (435મા ક્રમે) છે.
રાજેશ એક્સપોર્ટ્સ યાદીમાં 437મા સ્થાન સાથે અન્ય ખાનગી ભારતીય કંપની છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) 17 સ્થાન ઉંચકાઈને 236મા સ્થાને અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ 19 ક્રમના કૂદકા સાથે 295મા સ્થાને છે.
ફોર્ચ્યુન ગ્લોબલ 500ની યાદી 31 માર્ચ, 2022ના રોજ અથવા તે પહેલાં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ માટે કુલ આવકના આધારે કંપનીઓને રેન્ક આપે છે. ચાઈનીઝ એનર્જી જાયન્ટ્સ સ્ટેટ ગ્રીડ, ચાઈના નેશનલ પેટ્રોલિયમ અને સિનોપેક ટોચના પાંચમા સ્થાન મેળવે છે. પ્રથમ વખત ગ્રેટર ચાઇના (તાઇવાન સહિત)ની કંપનીઓની કુલ આવક લિસ્ટમાં રહેલી અમેરિકન કંપનીઓની કુલ આવક કરતાં વધી ગઈ છે.