તે વિધાનસભાની ચૂંટણી વખતે ખોટા દાવા કરવા માટે જાણીતા બનેલા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુજરાતની ચૂંટણી પહેલા આવો વધુ એક દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં આપની વધતી લોકપ્રિયતાથી ભાજપ ભયભીત છે અને શું એ સાચું છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં અમિત શાહજીને સીએમનો ચહેરો જાહેર કરવાની યોજના બનાવી રહ્યો છે?
એક સાંકેતિક ટ્વીટમાં કેજરીવાલે સવાલે કર્યો હતો કે શું ભારતીય જનતા પાર્ટી ગુજરાના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની કામગીરીથી ખુશ નથી? ભાજપમાં ભૂપેન્દ્ર પટેલની કામગીરી સામે રોષ છે?
અગાઉ માર્ચમાં કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે શું લક્ષદીપના વહીવટકર્તા પ્રફુલ કે પટેલને દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવશે.? તે સમયે દિલ્હીના એલજી અનિલ બૈજાલ હતા. 7 એપ્રિલે દિલ્હીના નાયબ સીએમ મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે ભાજપ હિમાચલપ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરને બદલીને તેમની જગ્યાએ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરને મૂકવાની વિચારણા કરી રહી છે. સિસોદિયાએ હિમાચલની ચૂંટણી પહેલા આ દાવો કર્યો હતો. વિશ્વનીય સૂત્રોને ટાંકીને સિસોદિયાએ એવું પણ જણાવ્યું હતું કે હિમાચલપ્રદેશમાં આપની વધતી જતી લોકપ્રિયતાને કારણે આગામી ચૂંટણીમાં હારના ભયને કારણે ભાજપ મોટા ફેરફાર કરવા માગે છે. જોકે તેમનો આ દાવો ખોટો પડ્યો હતો. ગયા વર્ષના ઓક્ટોબરમાં ગોવા વિધાનસભાની ચૂંટણી પહેલા સિસોદિયાએ દાવો કર્યો હતો કે ભાજપ ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતને બદલી નાખશે, કારણ કે લોકો તેમની સરકારની કામગીરીથી સંતુષ્ઠ નથી. આ દાવો પણ ખોટો પડ્યો હતો કારણ કે સાવંત તેમની ટર્મ સુધી મુખ્યપ્રધાન પદે રહ્યાં હતા. ગોવામાં ભાજપના વિજય પછી સાવંત ફરી મુખ્યપ્રધાન પણ બન્યા છે. ગોવામાં આપને માત્ર બે બેઠકો મળી હતી.