અમેરિકાના પ્રતિનિધિગૃહના સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાન મુલાકાતના એક દિવસ બાદ ચીન હવે આક્રમક બન્યું છે. ચીને તાઇવાનની આજુબાજુ તેની અત્યાર સુધીની સૌથી મોટી લશ્કરી કવાયત ચાલુ કરીને તાઇવાનની નજીક મિસાઇલો છોડ્યા હતા અને સંખ્યાબંધ વિમાનો તૈનાત કર્યા હતા. ચીને છોડેલી 5 બેલિસ્ટિક મિસાઇલ જાપાનના એક્સક્લૂસિવ ઇકોનોમિક ઝોનમાં પડી હોવાની પણ જાપાને શક્યતા દર્શાવીને તેનો સખત વિરોધ કર્યો હતો.
તાઇવાનના દરિયામાં પરંપરાગત મિસાઇલો છોડ્યાને ચીને પુષ્ટી આપી હતી. આ મિસાઇલો લશ્કરી કવાયતના ભાગરૂપે છોડવામાં આવી હતી. આ કવાયત રવિવાર સુધી ચાલુ રહેશે. ચીને ફાઇટર જેટ્સ અને બોમ્બર્સ સહિતના 100થી વધુ વિમાનો અને 10 યુદ્ધજહાજો પણ તૈનાત કર્યા છે, એમ સરકારી ટીવીના સીસીટીવીમાં જણાવ્યું હતું.
ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકા-તાઇવાનની મિલીભગત અને ઉશ્કેરણીથી તાઇવાનમાં વિનાશ વેરાશે અને તાઇવાનના લોકો માટે આપત્તિ ઊભી થશે.
તાઇવાને જણાવ્યું હતું કે ચીને તેની નજીકના દરિયામાં 11 ડોંગફેંગ બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. બીજી તરફ જાપાને વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પાંચ મિસાઇલ તેના ઇકોનોમિક ઝોનમાં પડી હોવાનું દેખાય છે.
તાઇવાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ લશ્કરી કવાયત સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું ઉલ્લંઘન છે. તેની હવાઇસીમા પર આક્રમણ થયું છે તથા ફ્રી એર અને દરિયાઇ પરિવહન સામે જોખમ ખડું થયું છે. તાઇવાનમાં 1949થી સ્વશાસન છે. ચીનના ગૃહ યુદ્ધમાં ચીયાંગ કેઇ-શેક કુઓમિન્ટેગ (કેએમટી)ને હરાવીને માઉ ઝેડોંગની કમ્યુનિસ્ટ પાર્ટી બેઇજિંગમાં સત્તા પર આવી તે પછી ત્યાંની સરકારે આ ટાપુ દેશમાંથી પીછેહટ કરી હતી.
ચીનની વારંવારની ધમકીઓને પરવા કર્યા વગર નેન્સી પેલોસેએ તાઇવાનની મુલાકાત લીધી હતી. ચીન તાઇવાનને પોતાનો અભિન્ન હિસ્સો ગણે છે, તેથી તાઇવાનની સરકારને બીજા દેશો સાથે સંબંધ રાખવા દેવા માગતું નથી.
તાઇવાનના સૂત્રે જણાવ્યું હતું કે સત્તાવાર રીતે લશ્કરી કવાયતના પ્રારંભ પહેલા ચીનના નૌકાદળના જહાજો અને લશ્કરી વિમાનોએ ગુરુવારે સવારે તાઇવાન સ્ટ્રેટની સીમાનું ઉલ્લંઘન કર્યું હતું. બપોર સુધીમાં બંને પક્ષોના યુદ્ધજહાજો આમને સામને આવી ગયા હતા. તાઇવાને પણ સરહદનું ઉલ્લંઘન કરતાં વિમાનોને ટ્રેક કરવા મિસાઇલ સિસ્ટમ ગોઠવી હતી અને વિમાનો તૈયાર રાખ્યા હતા. ચીનની મિલિટરીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેને તાઇવાન સ્ટ્રેટ પર પ્રિસિસન સ્ટાઇક કર્યા છે અને ધારણા મુજબની પરિણામ મળ્યા છે.
તાઇવાને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરી
ચીને મિસાઇલ છોડ્યા બાદ તાઇવાને એરલાઇન ફ્લાઇટ્સ સર્વિસ રદ કરી હતી. તાઇવાન માટેની ઓછામાં ઓછી 40 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ગુરુવારે રદ કરવામાં આવી હતી, એમ ચાઇન ટાઇમ્સ ન્યૂઝપેપરે જણાવ્યું હતું. જોકે શિપિંગ સર્વિસને પડેલી અસર અંગે તાકીદે કોઇ માહિતી મળી ન હતી. તાઇવાન સ્માર્ટફોન, ઓટો, ટેબ્લેટ, કમ્પ્યૂટરમાં વપરાતી કુલમાંથી અડધો અડધ પ્રોસેસર ચીપ્સનું ઉત્પાદન કરે છે.