ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ પછી ઝિમ્બાબ્વેના ટુંકા પ્રવાસે જવાની છે, જેમાં ત્રણ વન-ડેની સીરીઝ રમશે. આ પ્રવાસ માટે ભારતીય ટીમનું સુકાનીપદ શિખર ધવનને જ સોંપાયું છે, રોહિત શર્માને આરામ અપાયો છે. આ સીરીઝ માટે જસપ્રીત બુમરાહ તેમજ વિરાટ કોહલીને પણ આરામ અપાયો છે. નવોદિત રાહુલ ત્રિપાઠીની પહેલીવાર ભારતીય ટીમમાં પસંદગી કરાઈ છે. કે. એલ. રાહુલ કોરોનામાં સપડાયો હોવાથી તેનો પણ સમાવેશ કરાયો નથી.
આગામી તા. 18 થી 22 ઓગસ્ટ દરમિયાન આ સીરીઝની ત્રણે મેચ ઝિમ્બાબ્વેના હરારે ખાતે રમાશે. આ સીરીઝ વન-ડે સુપર સીરીઝના એક ભાગરૂપ હોવાના કારણે યજમાન ટીમ માટે તે ખૂબજ મહત્ત્વની રહેશે.કોહલી હવે ઑગસ્ટના અંતમાં યોજાનારી એશિયા કપથી વાપસી કરે તેવી શક્યતા છે. તે છેલ્લે ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ વતી રમ્યો હતો, પણ તેનો દેખાવ કઈં ખાસ નહોતો. કોહલી છેલ્લા 3 વર્ષથી ફોર્મમાં નથી.