ચીનના 20થી વધુ મિલિટરી વિમાનો મંગળવારની રાત્રે તાઇવાનના એર ડિફેન્સ ઝોનમાં ઘુસ્યા હતા, એમ તાઇપેઇના અધિકારીઓએ જણાવ્યું હતું. આ ટાપુ દેશના સંરક્ષણ મંત્રાલયે ટ્વીટર પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીપલ્સ લિબરેશન આર્મીના 21 વિમાનો 2 ઓગસ્ટ 2022એ દક્ષિણ પશ્ચિમ એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોન (ADIZ)માં ઘુસ્યા છે. જો ADIZ માત્ર તાઇવાનની પ્રાદેશિક એરસ્પેસ નથી. તેમા ચીનના એરઝોનનો પણ સમાવેશ થાય છે.
ચીનની તમામ ધમકીઓની ઐસીતૈસી કરીને અમેરિકાના પ્રતિનિધિગૃહના સ્પીકર નેન્સી પેલોસી મંગળવારની રાત્રે તાઇવાનની મુલાકાતે આવી પહોંચતા વિશ્વના આ બંને સૌથી શક્તિશાળી દેશો વચ્ચે યુદ્ધ જેવી તંગદિલી ઊભી થઈ હતી. પેલોસીને અમેરિકાના નૌકાદળ અને હવાઇદળના 24 યુદ્ધવિમાનોએ સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. બીજી તરફ પેલોસી તાઇવાનમાં આવતાની સાથે ચીને ટાર્ગેટેડ મિલિટરી કાર્યવાહીની ધમકી આપી હતી અને તાઇવાનના આકાશમાં તેના યુદ્ધ વિમાનો ઉડાડ્યા હતા.
નેન્સી પેલોસીની તાઇવાન યાત્રાનો જોરદાર વિરોધ કરતાં ચીને રાજદ્વારી વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે પેલોસીની મુલાકાત વન-ચાઇન પોલિસીનું ગંભીર ઉલ્લંઘન છે. અમેરિકા બેઇજિંગને અંકુશમાં રાખવા માટે તાઇવાન કાર્ડ ખેલી રહ્યું છે. તાઇવાન સંપૂર્ણપણે ચીનનો આંતરિક મામલો છે અને કોઇપણ દેશને તાઇવાનના મુદ્દે જજ તરીકે કામ કરવાનો હક નથી. ચીને દાવો કર્યો હતો કે તે તાકાતથી પણ આ બળવાખોર પ્રાંતને તેનામાં ભેળવી દેશે.