ભારતના ચૂંટણીપંચે ગુરુવારે જાહેરાત કરી હતી કે 17 વર્ષથી વધુ વયના યુવાનો મતદાર યાદીમાં એડવાન્સમાં પોતાનું નામ નોંધાવી શકશે. આવા યુવાનો દર વર્ષની પહેલી જાન્યુઆરીએ 18 વર્ષ પૂરા થાય તેની રાહ જોવાની જરૂર નથી. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર મતદાન યાદીને દર ક્વાર્ટરમાં અપડેટ કરાશે.
મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચે તમામ રાજ્યોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને ટેકનિકલ ઉકેલ તૈયાર કરવા માટે સૂચના આપી હતી, જેથી યુવાનોને વર્ષમાં 3 વખત એડવાન્સમાં અરજી કરવાની સુવિધા મળી શકે. આ માટે તેમણે પહેલી જાન્યુઆરી સુધીની રાહ નહીં જોવી પડે. ત્યાર બાદ દર 3 મહિને વોટર લિસ્ટને અપડેટ કરવામાં આવશે તથા પાત્રતા યુવાનો તે વર્ષના આગામી 3 માસ દરમિયાન મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે જે સમય દરમિયાન તેઓ 18 વર્ષ પૂરા કરવાના છે.
નોંધણી બાદ યુવાનોને એક ઈપીઆઈસી ફાળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલ 2023ના વોટર લિસ્ટ માટે સુધારા ચાલુ રહ્યાં છે. કોઈ પણ યુવાન જે 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર 2023 સુધીમાં 18 વર્ષનો થઈ રહ્યો છે તે મતદાતા તરીકે રજિસ્ટ્રેશન માટે એડવાન્સ અરજી કરી શકે છે. ચૂંટણી પંચની ભલામણો બાદ કાયદા મંત્રાલયે આરપી ધારામાં સુધારા કર્યા છે.