કોંગ્રેસના નેતા અધીરરંજન ચૌધરીએ ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની કહેતા સંસદમાં ગુરુવારે ભારે હોબાળો થયો હતો. દેશના રાષ્ટ્રપતિ માટે અપમાન ટીપ્પણી બદલ ભાજપે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની માફીની માગણી કરી હતી. ભાજપે લોકસભામાં અધીર રંજન ચૌધરીની ટીપ્પણીને ગુરુવારે ધૃણાસ્પદ તથા તમામ મૂલ્યો તથા સંસ્કારો વિરુદ્ધનું નિવેદન ગણાવ્યું હતુ.
બીજી તરફ અધીરરંજનને માફી માગવાની જગ્યાએ જણાવ્યું હતું કે તેમની જીભ લપસી ગઈ હતી અને ભાજપ રાઇનો પર્વતન બનાવી રહ્યો છે.
ભાજપ વતી કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મોરચો સંભાળ્યો હતો અને આક્રમક અંદાજમાં લોકસભામાં વિરોધ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કર્યું છે અને તે માટે માફી માગવી જોઇએ.
બુધવારે અધીર રંજનને મીડિયાએ પૂછ્યું હતું કે તમે રાષ્ટ્રપતિ ભવન જઈ રહ્યાં હતા,તમને જવા દેવામાં આવ્યા ન હતા. તે પ્રશ્નના જવાબમાં અધીરરંજને જણાવ્યું હતું કે આજે પણ જવાનો પ્રયત્ન કરશે. હિન્દુસ્તાનની રાષ્ટ્રપત્ની બધા માટે છે. અમારા માટે કેમ નહિં.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણની આગેવાની હેઠળના કેટલાંક સાંસદોએ પણ સંસદ પરિસરમાં પ્લેકાર્ડ સાથે આ નિવેદનનો વિરોધ કર્યો હતો.
ભાજપના સાંસદોએ સોનિયા માંફી માંગે તેવા પોસ્ટર લઈને સૂત્રોચ્ચાર કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે સોનિયા ગાંધીએ માંફી માંગવી પડશે. લોકસભા અને રાજ્યસભામાં હોબાળાના કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાનીની વચ્ચે પણ રકઝક થઈ હતી. સોનિયા ગાંધીએ સ્મૃતિ ઈરાનીને કહ્યું હતું કે ડોન્ટ ટોક ટુ મી.
સ્મૃતિએ ગૃહમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ગરીબ અને આદિવાસીઓની વિરોધી છે. પોતાની ભૂલ અંગે માંફી માંગવાની જગ્યાએ કોંગ્રેસ વિરોધ કરી રહી છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસ તરફથી માંફી માંગવી જોઈએ. કોંગ્રેસે દરેક ભારતીયનું અપમાન કર્યું છે.