દુકાનમાં કપડા બદલી રહેલી એક મહિલાનો વિડીયો ઉતારનાર ભૂતપૂર્વ મેટ્રોપોલિટન પોલીસ અધિકારી પીસી સ્વાલેહ ચૌધરીને અશ્લીલતા અને બાળકોની અભદ્ર તસવીરો રાખવા બદલ શુક્રવાર, 22 જુલાઈના રોજ કિંગ્સ્ટન ક્રાઉન કોર્ટમાં 10 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી, જે 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. તેને સેક્સ્યુઅલ હાર્મ પ્રિવેન્શન ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો.
સાઉથ સાઇડ શોપિંગ સેન્ટર, વૉન્ડ્સવર્થમાં કપડાંની દુકાનમાં કપડાં બદલી રહેલી એક મહિલાનો ફરજ દરમિયાન વિડીયો ઉતારી રહેલા ભૂતપૂર્વ પીસી સ્વાલેહ ચૌધરીને જોતાં જ બુધવાર, 30 માર્ચના રોજ પોલીસને દુકાન પર બોલાવવામાં આવી હતી. જેને પગલે મેટની ટાસ્કફોર્સ સાથે જોડાયેલા ચૌધરી (ઉ.વ. 36)ની ઘટના સ્થળે ધરપકડ કરાઇ હતી અને તાત્કાલિક ફરજ પરથી સસ્પેન્ડ કરાયો હતો. વૉન્ડ્સવર્થના ડિટેક્ટીવ્સે તપાસ શરૂ કર્યા બાદ તેણે રાજીનામું આપી દીધું હતું.
તેણે વોયુરિઝમ, અત્યંત પોર્નોગ્રાફી અને બાળકની અભદ્ર છબી બનાવવાના ત્રણ કાઉન્ટ સહિતના ગુનાઓની કબુલાત કરી હતી. 31 મેના રોજ તેની ગંભીર ગેરવર્તણૂક સાબિત થતા પેનલે ચુકાદો આપ્યો હતો કે જો તેણે રાજીનામું ન આપ્યું હોત તો તેને નોટિસ વિના બરતરફ કરાયો હોત.