કારગિલ વિજય દિવસના પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભારતીય લશ્કરી દળોના સર્વોચ્ચ બલિદાનને યાદ કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે) ભારતનો અભિન્ન હિસ્સો છે. તેમણે જણાવ્યું હતું કે બાબા અમરનાથ ભારતમાં હોય અને મા શારદા શક્તિ અંકુશરેખા (એલઓસી)ની પેલે પાર હોય તેવું કેવી રીતે શક્ય છે.
સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે પીઓકે અંગે સંસદમાં એક ઠરાવ પસાર કરાયો છે. પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનો એક ભાગ છે અને ભારતનો એક ભાગ રહેશે. ભગવાન શિવના સ્વરૂપમાં બાબા અમરનાથ આપણી સાથે હોય અને માતા શારદા શક્તિ એલઓસીની બીજા બાજુ હોય તેવું કેવી રીતે બની શકે.
શારદા પીઠમાં હિન્દુ દેવી સરસ્વતીના મંદિરના અવશેષો છે. રાજનાથ જમ્મુમાં કારગિલ વિજય દિવસની ઉજવણીના પ્રસંગે બોલી રહ્યાં હતા. સંરક્ષણ પ્રધાન જમ્મુમાં ફરજ દરમિયાન શહીદ થયેલા સુરક્ષા જવાનોના પરિવારના સભ્યો સાથે પણ વાતચીત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે 1962ની તુલનાએ ભારતનો હાલમાં વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં સમાવેશ થાય છે. 1962માં ચીને લડાખમાં આપણો વિસ્તાર પચાવી પાડ્યો હતો. તે સમયે પંડિત નહેરુ દેશના વડાપ્રધાન હતા. હું તેમના ઇરાદા સામે સવાલ કરતો નથી. ઇરાદા સારા હોઇ શકે છે, પરંતુ તે નીતિઓ સામે સવાલ થઈ શકે છે. જોકે હાલનું ભારત વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં સામેલ છે.
રાજનાથે જણાવ્યું હતું કે દેશની સેવા માટે પોતાના જીવનું બલિદાન આપનારા શહીદો યાદ રહેશે. આપણી આર્મીએ હંમેશા દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યા છે. કેટલાંક બહાદુર સૈનિકોએ 1999ના યુદ્ધમાં બલિદાન આપ્યું હતું, હું તેમને નમન કરું છું.
સૈનિકોના બલિદાન અને બહાદુરીની યાદગીરી માટે ઇન્ડિયન આર્મી લદાખના દ્વાસમાં કારગિલ વોર મેમોરિયલ ખાતે 23મા કારગિલ વિજય દિવસ માટે તૈયારી કરી રહી છે. આ પ્રસંગે ફરજ પરના અને નિવૃત્ત આર્મી અધિકારીઓ, કારગિલ યુદ્ધ સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારજનો હાજર રહે તેવી શક્યતા છે.
પાકિસ્તાનના ઘૂસણખોરોને હાંકી કાઢવા માટે 8મે 1999થી 26 જુલાઈ 1999 વચ્ચે કારગિલ યુદ્ધ લડાયું હતું. ભારતના સૈનિકોએ અસાધારણ મુશ્કેલીઓ, જોખમી પહાડો અને વિષમ હવામાન વચ્ચે બહાદુરી સાથે પાકિસ્તાની ઘૂસણખોરો પર હુમલો કર્યો હતો અને વિજય મેળવ્યો હતો. આ યુદ્ધ 55 દિવસ ચાલ્યું હતું. દર વર્ષે 26 જુલાઇ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિજય દિવસની કારગિલના દ્રાસ શહેરમાં ઉજવણી માટે તૈયારી ચાલુ કરવામાં આવી છે. કારગિલ વોર મેમોરિયલ ખાતે 24-26 જુલાઈએ વિજય દિવસ મનાવવામાં આવશે.