ઓલિમ્પિક્સના ગોલ્ડન સુપરસ્ટાર નીરજ ચોપરાએ અમેરિકાના યુજીનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને પુરૂષોની જેવલીન થ્રો ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ સર્જ્યો હતો. નીરજે ૮૮.૧૩ મીટરના અંતરે ભાલો ફેક્યો હતો. ભારતને વર્લ્ડ ચેમ્પિયનશિપના ૪૬ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમ વખત સિલ્વર મેડલ મળ્યો છે. વર્લ્ડ એથ્લેટિક્સમાં ભારત માટે ૧૯ વર્ષ પછી આ બીજો મેડલ છે. છેલ્લે ૨૦૦૩ની પેરિસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં લોંગ જમ્પર અંજુ બોબી જ્યોર્જે બ્રોન્ઝ જીત્યો હતો, જે અત્યાર સુધી વર્લ્ડ એથ્લેટિક્સમાં ભારતનો એકમાત્ર મેડલ હતો.
નીરજે ટોક્યોમાં ભારતને ઓલિમ્પિક્સમાં એથ્લેટિક્સનો સૌપ્રથમ, ઐતિહાસિક ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. હવે વર્લ્ડ એથ્લેટિક્સમાં ભારત તરફથી સૌપ્રથમ મેડલ હાંસલ કરી રેકોર્ડબુકમાં પોતાનું નામ સુવર્ણાક્ષરે નોંધાવી દીધું છે. નીરજની આ સિધ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકર, રમત ગમત ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુર સહિતના રાજનેતાઓએ અભિનંદનની વર્ષા કરી હતી.
નીરજનો પહેલો થ્રો ફાઉલ રહ્યો હતો. જોકે, તેણે પછીના – ત્રીજા અને ઓવરઓલ ચોથા પ્રયાસમાં શ્રેષ્ઠ દેખાવ સાથે ૮૮.૧૩ મીટરનો થ્રો કર્યો હતો. નીરજના કટ્ટર હરિફ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે પહેલા જ થ્રોમાં ૯૦.૨૧ મીટરનું અંતર હાંસલ કરી લીધું હતુ. તેણે પાંચમાં અને આખરી થ્રોમાં ૯૦.૫૪ મીટરનો શ્રેષ્ઠ થ્રો કરતાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
જેવલીન થ્રોમાં પ્રત્યેક સ્પર્ધકને છ થ્રો મળે છે અને તેમાંથી શ્રેષ્ઠ પર્ફોમન્સને ધ્યાન લેવામાં આવે છે. નીરજે તેના છમાંથી ત્રણ પ્રયાસમાં ફાઉલ કર્યા હતા.