Supreme Court stay on promotion of 68 judges in Gujarat
(istockphoto.com)

ભારતમાં ન્યાયાધીશો સામે મીડિયામાં અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં સામુહિક ઝુંબેશની આકરી ઝાટકણી કાઢતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI)એ એન વી રમનાએ  શનિવારે જણાવ્યું હતું કે ન્યાયાધીશો તાકીદે પ્રતિક્રિયા ન આપે તો પણ તેને નબળાઈ કે લાચારી માની લેવાની ભૂલ કરવી જોઇએ નહીં. એજન્ડા આધારિત ડિબેટ અને કાંગારૂ કોર્ટ ચલાવવા બદલ મીડિયાની આકરી ટીકા કરતાં CJIએ જણાવ્યું હતું કે તે લોકશાહીની તંદુરસ્તી માટે હાનિકારક છે અને મીડિયા ટ્રાયલથી ન્યાયતંત્રની વાજબી કાર્યવાહી અને સ્વતંત્રતાને અસર થાય છે.

રાંચીમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે વારંવારના ઉલ્લંઘનો અને તેના પરિણામે સામાજિક અસ્થિરતાથી મીડિયા નિયમન માટે આકરા નિયમો અને જવાબદારીની માગણી બુલંદ બની રહી છે, પરંતુ મીડિયાએ ઉપરવટમાં ન જવું જોઇએ તથા સરકાર અને કોર્ટની દરમિયાનગીરી આમંત્રિત ન કરવી જોઇએ.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો તેમના આદેશો માટે તાજેતરના સમયગાળામાં એક વર્ગની આકરી ટીકાનો સામનો કરી રહ્યાં છે ત્યારે CJIએ આ ટીપ્પણી કરી છે. CJI રમનાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર જજોને ટાર્ગેટ કરવા વિરુદ્ધમાં પણ ટીપ્પણી કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ પ્રવકતા નુપુર શર્માના કેસમાં કોર્ટે કરેલી ટીપ્પણીની ભારે ટીકા ટીપ્પણી થઈ હતી.

ન્યાયાધીશો પરના હુમલાની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો કે રાજકીય નેતાઓ અને જાહેર પ્રતિનિધિઓની જેમ ન્યાયાધીશોને નિવૃતિ પછી સુરક્ષા કવચ મળતું નથી. તેમણે જણાવ્યું હતું કે મીડિયા ટ્રાયલ કેસોનો નિર્ણય કરતી વખતે માર્ગદર્શક પરિબળ ન બનવું જોઇએ. તાજેતરમાં મુદ્દાઓ પર મીડિયા કાંગારૂ કોર્ટ ચલાવતા આપણને જોવા મળે છે. તેનાથી અનુભવી જજોને પણ નિર્ણય કરવામાં મુશ્કેલી પડે છે. ન્યાય પ્રણાલી અંગેના મુદ્દા અંગે ખોટી માહિતી અને એજન્ડા આધારિત ડિબેટ લોકશાહીની તંદુરસ્તી માટે હાનિકારક છે. મીડિયા દ્વારા પ્રચાર કરતાં પક્ષપાતી મંતવ્યો લોકોને અસર કરે છે, લોકશાહીને નબળી પાડે છે અને સિસ્ટમને નુકસાન કરે છે. તમારી જવાબદારીના ઉલ્લંઘન અને ઉપરવટ જઇને તમે આપણી લોકશાહીને બે ડગલા પાછળ લઈ જાઓ છો. તેમણે જણાવ્યું હતું કે પ્રીન્ટ મીડિયા કેટલાંક અંશે જવાબદારીપૂર્વક વર્તે છે. પરંતુ ઇલેક્ટ્રોનિક મીડિયા ઝીરો જવાબદારી સાથેના છે, કારણ કે જે દર્શાવે છે તે પાતળી હવામાં અદ્રશ્ય થઈ જાય છે.