વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ઝડપથી ફેલાઇ રહેલા મંકીપોક્સ રોગચાળાને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાજનક પબ્લિક હેલ્થ ઇમર્જન્સી જાહેર કરી છે. આ જાહેરાત મંકીપોક્સ માટે WHOનું સૌથી ઊંચું એલર્ટ લેવલ છે.
આવી ભાગ્યે જ થતી જાહેરાતનો અર્થ એવો થાય છે કે WHO મંકીપોક્સને વૈશ્વિક આરોગ્ય સામેનો ખતરો માને છે. આ વાઇરસને વધુ ફેલાતો અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલિત પગલાંની પણ જરૂર છે. મંકીપોક્સ હવે મહામારી પણ તબદિલ થવાની શક્યતા છે.
પબ્લિક હેલ્થ ઇમર્જન્સીની જાહેરાતથી વિવિધ દેશોની સરકાર પર કોઇ નિયમો લાદવામાં આવતા નથી, પરંતુ તે તાકીદે પગલાં લેવાનો એક એલર્ટ છે. WHO તેના સભ્ય દેશોને માત્ર ગાઇડન્સ આપી શકે છે અને ભલામણો કરી શકે છે, પરંતુ આદેશ આપી શકતું નથી. સભ્ય દેશોએ વૈશ્વિક આરોગ્ય સામે જોખમ ખડું કરતી સ્થિતિની માહિતી આપવી પડે છે.
યુએનની આ એજન્સીએ ગયા મહિને મંકીપોક્સ માટે વૈશ્વિક ઇમર્જન્સી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે છેલ્લાં કેટલાંક સપ્તાહથી ચેપના કેસોમાં મોટો વધારો થયો છે, તેનાથી WHOના વડા ટેડ્રોસ એ. ગેબ્રેયેસસે હાઇએસ્ટ એલર્ટ જારી કરવાની ફરજ પડી છે.
WHOના ડેટા મુજબ ચાલુ વર્ષે અત્યાર સુધી 75 દેશોમાં મંકીપોક્સના આશરે 16,000 કેસ નોંધાયા છે. જૂનના અંત ભાગથી જુલાઈના પ્રારંભ સુધીમાં મંકીપોક્સના કેસોમાં 77 ટકાનો ચિંતાજનક વધારો થયો છે. પુરુષ સાથે સેક્સ કરતાં પુરુષોને આ ચેપી લાગવાનું સૌથી ઊંચું જોખમ રહે છે. આ વર્ષે આફ્રિકામાં મંકીપોક્સથી પાંચ લોકોના મોત થયા છે. જોકે આફ્રિકા સિવાયના કોઇ દેશમાં મંકીપોક્સથી કોઇનું મોત થયું નથી.
યુએસ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા મુજબ મોટાભાગના દર્દીઓ બેથી ચાર સપ્તાહમાં રિકવર થાય છે. હાલમાં યુરોપ આ રોગચાળાનું એપિસેન્ટર બન્યું છે. 2022માં કુલમાંથી 80 ટકા કેસ યુરોપમાં નોંધાયા છે.