અમેરિકામાં ક્રિપ્ટોકરન્સીના ઈનસાઈડર ટ્રેડિંગના આ આરોપમાં બે ઇન્ડિયન ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં બે ઇન્ડિયન અને એક ઇન્ડિયન અમેરિકન શખ્સની સંડોવણી બહાર આવી છે, જેમાં આ બંને ભાઈઓનો એક મિત્ર પણ સંડોવાયેલો છે, પરંતુ એ ભારતમાં હોવાની શક્યતા હોવાથી તેની ધરપકડ થઈ નથી એવું તપાસ એજન્સીના અધિકારીઓએ કહ્યું હતું.
તપાસ એજન્સીઓએ સીએટલમાંથી ઈશાન વાહી અને નિખિલ વાહી નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. તેમની સામે હવે છેતરપિંડીનો કેસ ચાલશે. ત્રીજો આરોપી સમીર રામાણી ભારતમાં હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. સમીર અને ઈશાન બંને કોલેજ સમયથી ખાસ મિત્રો છે અને તેઓ ઓસ્ટિન યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કરતા હતા. આ ત્રણેય આરોપીઓએ અમેરિકામાં ક્રિપ્ટોના ગુપ્ત કોડમાં છેડછાડ કરીને ઈનસાઈડ ટ્રેડિંગનું કૌભાંડ આચર્યું હતું. ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બંને આરોપીઓને રજૂ કરાયા હતા. એટર્ની જનરલે કહ્યું હતું કે, આ ત્રણેય આરોપીઓએ ક્રિપ્ટોના ગુપ્ત કોડનો ઉપયોગ કરીને અંદાજે 1.5 મિલિયન ડોલર છેતરપિંડી કરીને મેળવ્યા હતા. આ કેસમાં ત્રણેય આરોપીઓને 20-20 વર્ષની જેલની સજા થવાની સંભાવના છે.