કોંગ્રેસ માઈનોરિટી સેલના કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આપેલા નિવેદનથી વિવાદ ઊભો થયો હતો. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસ સત્તા માટે ક્યારેય ચૂંટણી લડી નથી. કોંગ્રેસ સરકારના વડાપ્રધાન અગાઉ પણ કહી ચૂક્યા છે કે દેશની સંપતિ પર પહેલો હક લઘુમતીઓનો છે. આજે પણ કોંગ્રેસ પોતાની આ વિચારધારા સાથે જોડાયેલી છે. કોંગ્રેસ પોતાની વિચારધારાથી પીછેહટ નહીં કરે. ગુજરાતમાં 60 બેઠકો પર લઘુમતી સમાજના મત નિર્ણાયક સાબિત થાય છે.
જગદીશ ઠાકોરના આ નિવેદનનો ભાજપ અને બજરંગ દળે ભારે વિરોધ કર્યો હતો. બજરંગ દળના કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર કાળી શાહીથી હજ હાઉસ લખી દીધું હતું અને કેટલાંક પોસ્ટર્સ પણ ચોંટાડ્યા હતા. એક પોસ્ટર એવું પણ સામે આવ્યું હતું કે જેમાં જગદીશ ઠાકોરનો ફોટો છે અને લખાણ લખ્યું છે કે, આજથી આ કાર્યાલયનું નામ ગુજરાત કોંગ્રેસ સમિતીથી બદલીને હજ હાઉસ રાખવામાં આવેલું છે.