ભારતમાં એરપોર્ટના કાઉન્ટર્સ પર ચેક-ઇન માટે હવે પેસેન્જરોએ વધારાનો ચાર્જ નહીં ચૂકવવો પડે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઘણી ફરિયાદોને પગલે એરલાઇન્સને ચેક-ઇન કાઉન્ટર્સ પર બોર્ડિંગ પાસ ઇશ્યૂ કરવા માટે લેવાતી ફી તાત્કાલિક ધોરણે બંધ કરવાનો ગુરુવારે આદેશ આપ્યો હતો.
એરલાઇન્સ આ સર્વિસ માટે પેસેન્જર દીઠ લગભગ રૂ.૨૦૦ની ફી વસૂલે છે. જોકે, વિમાનના ઇંધણના ભાવ ઘણા ઊંચા છે અને રૂપિયો નવી નીચી સપાટીએ પહોંચ્યો છે ત્યારે એરલાઇન્સે ભાડાંમાં મોટો વધારો કર્યો છે. આવા સમયે ચેક-ઇન ચાર્જમાં નહીં લેવાનો આદેશ પેસેન્જર્સને થોડી રાહત આપશે. ખાસ કરીને ઓનલાઇન ચેક-ઇન કરવાને બદલે એરપોર્ટ પર લાંબી લાઇનમાં ઊભું રહેવાનું પસંદ કરનારા મુસાફરોને થોડી રાહત મળશે. ઉલ્લેખનીય છે કે, હવાઇ ઇંધણના ઊંચા ભાવ અને ઘટતા રૂપિયાની એર ટ્રાફિકની રિકવરી પર અસર થઈ છે. ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે ટિ્વટ કર્યું હતું કે, “ઉડ્ડયન મંત્રાલયને જાણવા મળ્યું છે કે એરલાઇન્સ બોર્ડિંગ પાસ ઇશ્યૂ કરવા માટે પેસેન્જર્સ પાસેથી વધારાનો ચાર્જ વસૂલે છે. તે નિયમો અનુસાર નથી.
જેને ધ્યાનમાં રાખીને એરલાઇન્સને એરપોર્ટ પર બોર્ડિંગ પાસ ઇશ્યૂ કરવા માટે વધારાની રકમ ચાર્જ નહીં કરવાની સલાહ આપવામાં આવે છે.” મે ૨૦૨૦માં ફ્લાઇટ્સ બે મહિના માટે સસ્પેન્ડ કરાયા પછી ફરી શરૂ કરવામાં આવી ત્યારે ફરજિયાત વેબ ચેક-ઇન મહત્વની શરત હતી. એ વખતે સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે ભાડાંના વિવિધ માળખા દાખલ કર્યા હતા. જેમાં જુદાજુદા ડોમેસ્ટિક રુટ્સ પર અંતર અને ફ્લાઇટના સમયને આધારે લઘુતમ અને મહત્તમ ભાડાં નક્કી કરાયા હતા. એરલાઇનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “એરપોર્ટ પર ચેક-ઇન કરનારા પેસેન્જર્સ પાસેથી ચાર્જ લેવાનો નિર્ણય કોમર્શિયલ હતો. હવો મંત્રાલયે આ રકમ નહીં લેવાનો આદેશ આપ્યો છે ત્યારે તેમણે ડોમેસ્ટિક ફ્લાઇટ્સના ભાડાંની મર્યાદા પણ હટાવવી જોઇએ.”